શેખપુર ગામમાં વરસાદ બાદ DGVCLની કામગીરી સામે ઉઠ્યા સવાલો, હલકી કક્ષાના સમારકામના આક્ષેપ

કામરેજ તાલુકાના શેખપુર ગામ વિસ્તારમાં ચોમાસાની પ્રથમ વરસાદી સિઝનમાં જ વીજ વિતરણ વ્યવસ્થાની નબળી સ્થિતિ સામે આવી છે. તારીખ 03/07/2026ના રોજ ભારે વરસાદને કારણે એક વીજ ટ્રાન્સફોર્મર (TC) ધરાશાયી થયું હતું. ત્યારબાદ 04/07/2026ના રોજ સાંજે અંદાજે 6:00 વાગ્યે વધુ ત્રણ વીજલાઈનના પોલ પણ ધરાશાયી થતાં વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને DGVCL દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાદમાં કરવામાં આવેલી સમારકામની કામગીરી તદ્દન હલકી કક્ષાની હોવાનું સામે આવ્યું છે.
સ્થળ પર લેવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં પણ કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ જોવા મળે છે. સ્થાનિકોમાં એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે કે જો ફરી ભારે વરસાદ કે પવન આવે તો આવી કામગીરીના કારણે ફરી અકસ્માત સર્જાઈ શકે છે અને જાનમાલને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સ્થાનિક લોકોએ DGVCLના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ધોરણો મુજબ કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત








