નાપા શિક્ષણ જ સમાજમાંથી હિંસા અને નફરતને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર : ઇન્દ્રેશ કુમાર


તાહિર મેમણ – આણંદ – 06/07/2026 – આણંદ – ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થા આયોગ (NCMEI) ના કાર્યકારી અધ્યક્ષ પ્રોફેસર ડૉ. શાહિદ અખ્તર ની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના નાપા ખાતે આવેલા આદર્શ એજ્યુકેશનલ કોમ્પ્લેક્સ ખાતે ‘વિકસિત ભારત@2047 ના નિર્માણમાં એકતા, સાંસ્કૃતિક વિવિધતા અને લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા’ વિષય પર એક પરિ સંવાદ યોજવામાં આવ્યો હતો.
આ પરિસંવાદમાં પ્રો. શાહિદ અખ્તરએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની માઈનોરીટી સ્કૂલો ખાતે 68.4 ટકા વિદ્યાર્થીઓ માઈનોરીટીના અભ્યાસ કરે છે જ્યારે અન્ય 31.6% જેટલા વિદ્યાર્થીઓ અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આપણામાં માણસાઈ હોવી જરૂરી છે , સારા માણસ તરીકે પ્રસ્થાપિત થાઓ તે જ જિંદગીની મૂડી છે વિશેષ કરીને તેમણે આપણે કોઈપણ ધર્મના હોઈએ પણ અન્ય ધર્મ વિશે ટીકા ટીપ્પણી ન કરવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી શાહિદ અખતરે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજને કટ્ટરતા અને નફરતથી બચાવીને મહોબ્બત તેમજ ભાઈચારા તરફ વાળવાની ભારે જરૂર છે. માત્ર ‘તાલીમ’ (ઔપચારિક શિક્ષણ) માણસને રસ્તો બતાવે છે, પરંતુ સાચો ‘ઇલમ’ (જ્ઞાન અને સંસ્કાર) જ માણસને સાચો ઇન્સાન બનાવે છે. જો શિક્ષણ સાથે ઇન્સાનિયત ન હોય તો માણસ શેતાનિયત તરફ ધકેલાઈ જાય છે. તેમણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સર સૈયદ અહમદ ખાન અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા રાષ્ટ્રના આદર્શોનું ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને ‘કલામ’ના માર્ગે ચાલીને દેશના ઉત્થાનમાં ફાળો આપવા આહવાન કર્યું હતું.
પ્રોફેસર ડૉ. શાહિદ અખ્તરે સેમિનાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશની સાચી સુંદરતા તેની વિવિધતામાં એકતા (Unity in Diversity) માં રહેલી છે. આપણા દેશની ઓળખ તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પ અને સપનાને સાકાર કરવા માટે આજે નવી પેઢી અને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવું અનિવાર્ય છે. આવતીકાલનું ભારત કેવું હશે, તેમાં શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓનો શું ફાળો હોઈ શકે તે અંગે સેમિનારમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી અખ્તરે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને આહવાન કર્યું હતું કે, તેઓ માત્ર સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી જ ન કરે, પરંતુ બાળકોને તેના સંસ્કારો પણ આપે. શાળા-કોલેજોમાં દેશના તમામ તહેવારો હળીમળીને ઉજવાય અને અન્ય સમુદાયો સાથે પણ સદભાવના વધે તેવા પ્રયાસો થવા જોઈએ. વધુમા તેમણે ઉમેર્યું હતું કે, આ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂજ્ય મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ છે. આપણે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા મહાનુભાવોને આપણા રોલ મોડેલ માનવાના છે. દેશના યુવાનો ડૉક્ટર, એન્જિનિયર કે આઈએસ (IAS) બનીને કલામ સાહેબના બતાવેલા રાષ્ટ્ર સેવાના માર્ગે ચાલે તે જ સાચો રસ્તો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી પ્રથમ અને સર્વોચ્ચ ઓળખ ‘ભારતીય’ (હિન્દુસ્તાની) તરીકેની છે. જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને, એક થઈને જ આપણે આ મહાન દેશને વિકસિત ભારતના શિખર પર લઈ જઈ શકીએ છીએ. તેમણે પોઝિટિવ સારી વિચારસરણી ધરાવવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. જીવનમાં પ્રગતિ કરવા માટે શિક્ષણ જ એક મેક માધ્યમ છે તેમ કહીને ઉચ્ચ અભ્યાસ કરવા પણ તેમણે અપીલ કરી હતી. વધુમાં વિકસિત ભારતનું સપનું પૂરું કરવા માટે માઈનોરીટી એજ્યુકેશનલ સંસ્થાઓ પણ તેમનો સહયોગ આપે તે પણ એટલું જ જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા શ્રી ઇન્દ્રેશ કુમારએ દેશમાં ભાઈચારો, રાષ્ટ્રવાદ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રસાર કરવાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આપણે ભૂતકાળમાં પણ એક જ કૌમ (રાષ્ટ્ર) હતા, આજે પણ એક છીએ અને ભવિષ્યમાં પણ એક જ રહીશું. તેમણે આ એકતાની ભાવનાને સાચી ‘ખુદાઈ ભાવના’ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ (તાલીમ અને ઇલ્મ) ના માધ્યમથી દેશના યુવાનોને એક શ્રેષ્ઠ ભારતીય નાગરિક બનાવવાનો છે, જેથી તેઓ સ્વયં પ્રગતિ કરવાની સાથે દેશને પણ વિકાસના પંથે આગળ લઈ જઈ શકે. શિક્ષણ જ સમાજમાંથી હિંસા અને નફરતને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર છે.





