THARADVAV-THARAD

વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં જવાબદારીઓનું વિતરણ, આઠ સમિતિઓને મળ્યા નવા ચેરમેન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા પંચાયતની વિવિધ સ્થાયી સમિતિઓ માટે ચેરમેન તરીકે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે આઠ સમિતિઓના ચેરમેનના નામ જાહેર કરવામાં આવ્યા છે. નવી નિમણૂકો બાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓ હવે પોતાના કાર્યક્ષેત્રમાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ અને જનહિતના પ્રશ્નોના નિરાકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

જાહેર કરાયેલી યાદી મુજબ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ધૂખાજી નારણજી ઠાકોર (મડાલ, થરાદ)ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બાંધકામ સમિતિની જવાબદારી શારદાબેન અમીરામભાઈ આસલ (માડકા, વાવ)ને સોંપવામાં આવી છે.

તે જ રીતે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મુકેશકુમાર મદનલાલ ચૌધરી (મોરથલ, થરાદ), આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જોગાજી વાઘાજી ચૌહાણ (ભોરોલ, થરાદ) તથા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે જમનાબેન અરવિંદસિંહ ચૌહાણ (કોતરવાડા, દિયોદર)ની વરણી કરવામાં આવી છે.

આ ઉપરાંત સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન તરીકે જેતશીભાઈ લખમણભાઈ ચૌધરી (નારોલી, થરાદ), સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરાબેન પથુભાઈ ચૌહાણ (દેયપ, વાવ) અને અપીલ સમિતિના ચેરમેન તરીકે રત્નીબેન હરચંદભાઈ પરમાર (મલુપુર, થરાદ)ની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની નવી સમિતિઓની રચના બાદ વિકાસના વિવિધ ક્ષેત્રોમાં કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, મહિલા અને બાળ વિકાસ, સિંચાઈ તેમજ સામાજિક ન્યાય જેવા મહત્વના વિભાગોમાં હવે નવી ટીમના નેતૃત્વ હેઠળ કામગીરી આગળ વધશે.

નવી નિમણૂકોને જિલ્લા પંચાયતના વહીવટને વધુ મજબૂત બનાવવા અને વિકાસલક્ષી યોજનાઓને ઝડપી ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!