MORBI:મોરબી: “મારો દરવાજો કેમ તોડ્યો?” તેમ કહી માળિયા વનાળિયામાં યુવક પર છરી અને ધોકા વડે હુમલો




MORBI:મોરબી: “મારો દરવાજો કેમ તોડ્યો?” તેમ કહી માળિયા વનાળિયામાં યુવક પર છરી અને ધોકા વડે હુમલો

મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ એક યુવક પર છરી અને ધોકા વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં ઈસ્માઈલના બંગલા પાસે રહેતા અને મજૂરી કામ કરતા પંકજભાઈ પાલાભાઈ બારોટ (ઉં.વ. ૨૫) નામના યુવકને તે જ વિસ્તારમાં રહેતા આરોપી દિલિપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડે રોક્યો હતો. આરોપીઓએ પંકજભાઈને સવાલ કર્યો હતો કે, “તેં મારા ઘરનો દરવાજો કેમ તોડી પાડેલ છે?”પંકજભાઈએ આ વાતનો ઈનકાર કરતા જણાવ્યું કે, “મેં દરવાજો તોડ્યો નથી.” આ સાંભળતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આરોપી દિલિપભાઈ રાઠોડે આવેશમાં આવીને પંકજભાઈને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જ્યારે અન્ય આરોપી નિલેષભાઈ રાઠોડે પંકજભાઈને પગના ભાગે ધોકા વડે આડેધડ માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલાને પગલે યુવક ગંભીર રીતે ઘવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.આ હિંસક હુમલા બાદ ભોગ બનનાર પંકજભાઈ બારોટે આરોપી દિલિપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બંને હુમલાખોરો સામે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


