HALVAD:હળવદમાં પોલીસની ફિલ્મી ઢબે પીછેહઠ: બુટલેગર કાર ઝાડ સાથે અથડાવી અંધારામાં ફરાર, ૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત




HALVAD:હળવદમાં પોલીસની ફિલ્મી ઢબે પીછેહઠ: બુટલેગર કાર ઝાડ સાથે અથડાવી અંધારામાં ફરાર, ૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ પોલીસ ટીમ દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિ નાબૂદ કરવા હાથ ધરાયેલા પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો આંકડો સામે આવ્યો છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નિર્ધારિત જગ્યા પર વોચ ગોઠવી દીધી હતી. પોલીસે ઈશારો કરતા જ કાર ભગાડી
વોચ દરમિયાન બાતમીવાળી સ્વિફ્ટ કાર (નંબર: GJ-12-FC-2207) ત્યાથી પસાર થતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ, પોલીસને જોઈને બુટલેગરે કાર ઊભી રાખવાને બદલે તેને પૂરઝડપે ભગાડી મૂકી હતી.
એસ્સાર પંપ નજીક કાર ઝાડ સાથે અથડાઈ
કાર ચાલકે નાસવાનો પ્રયાસ કરતા પોલીસ ટીમે તાત્કાલિક ખાનગી વાહનો દ્વારા તેની પાછળ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસ પાછળ જ હોવાથી ગભરાયેલા કાર ચાલકે એસ્સાર પેટ્રોલ પંપ નજીક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી બાવળના ઝાડ સાથે અથડાવી દીધી હતી. અકસ્માત સર્જાયા બાદ ચાલક કાર ત્યાં જ મૂકીને રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી ખેતરોમાં નાસી છૂટ્યો હતો. કુલ ₹૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૧૩ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૬૭,૫૦૫/- આંકવામાં આવી છે. પોલીસે રૂપિયા ૩,૦૦,૦૦૦/- ની કિંમતની સ્વિફ્ટ કાર અને દારૂ મળીને કુલ રૂપિયા ૩,૬૭,૫૦૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.હળવદ પોલીસે આ મામલે ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


