KUTCHMUNDRA

મુંદરાના ગરીબ બાળકો શિક્ષણ તંત્ર માટે ‘બફર સ્ટોક’?: ગુંદાલા રોડની ઝૂંપડપટ્ટીના 50 જેટલા માસુમ બાળકોનો મહેકમ બચાવવા ઉપયોગ થાય છે?

તંત્રને અંદાજીત ઉંમર નક્કી કરી પ્રવેશ આપવાની વહીવટી સત્તા હોવા છતાં બાળકોને એડમિશનથી વંચિત રાખવામાં આવે છે?

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ગ્રાઉન્ડ રિપોર્ટ: પ્રવેશોત્સવની ભવ્યતા પાછળ શિક્ષણ જગતનો કાળો ચહેરો

 

મુંદરાના ગરીબ બાળકો શિક્ષણ તંત્ર માટે ‘બફર સ્ટોક’?: ગુંદાલા રોડની ઝૂંપડપટ્ટીના 50 જેટલા માસુમ બાળકોનો મહેકમ બચાવવા ઉપયોગ થાય છે?

 

* તંત્રને અંદાજીત ઉંમર નક્કી કરી પ્રવેશ આપવાની વહીવટી સત્તા હોવા છતાં બાળકોને એડમિશનથી વંચિત રાખવામાં આવે છે?

 

* શહેરમાં જ ચીપકી રહેવા શિક્ષકોની શાણી રમત? : જ્યારે શાળામાં સંખ્યા ઘટે અને ‘વધ’ માં જવાનો ડર લાગે ત્યારે જ આવા વંચિત બાળકોનો સંપત્તિ (Asset) તરીકે ઉપયોગ થાય છે?

 

* બદલીના નિયમો નેવે મૂકી જિલ્લા બદલી પામેલ શિક્ષકોને છુટા કરાયા? : એ ખાલી જગ્યાઓ ભરવા જ્ઞાન સહાયકો પર દબાણ, પરંતુ કાયમી વિદ્યા સહાયક નિમણૂકના કોઈ ઠેકાણાં નહીં!

 

મુંદરા,તા.૭:

રાજ્યભરમાં ‘શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬’ ની કરોડોના ખર્ચે ધામધૂમથી ઉજવણી થઈ ગઈ પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જે વાસ્તવિકતા સામે આવી રહી છે તે શિક્ષણ જગત માટે અત્યંત શરમજનક અને માસૂમ ભૂલકાઓના ભવિષ્યના બંધારણીય હક્કની હત્યા સમાન છે. મુંદરાના ગુંદાલા રોડ પર ગીતા હોસ્પિટલની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વસતા મૂળ રાજસ્થાન બાજુના શ્રમિક પરિવારોના આશરે 50 જેટલા બાળકો આજે પણ શાળાના પગથિયાં ચડી શક્યા નથી. પરંતુ આ પાછળ માત્ર ‘ડોક્યુમેન્ટનો અભાવ’ જવાબદાર નથી તેની પાછળ શિક્ષણ તંત્ર અને સ્થાપિત હિતોની મોટી મિલીભગત અને ગંદી ગણતરીઓ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે.

 

સત્તા હોવા છતાં પ્રવેશ કેમ નહીં? : બંધારણીય અધિકારોનો ભંગ?

 

નિયમો અને વહીવટી અધિકારો મુજબ જો આવા ભૂંગા અને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકોના બાળકો પાસે કોઈ આધાર-પુરાવા ન હોય તો પણ તેમને પાયાનું શિક્ષણ આપવા માટે શાળાના આચાર્ય અને સ્થાનિક તંત્ર બાળકની ઉંમરનો અંદાજ લગાવીને તેને પ્રવેશ આપી શકે છે. ગરીબ બાળકોને મધ્યાહન ભોજન, યુનિફોર્મ અને શિષ્યવૃત્તિ જેવી સુવિધાઓ મળવાથી વાલીઓ પણ તેમના બાળકને ભણાવવા તૈયાર છે આમ છતાં તેમને જાણીજોઈને દાખલ કરવામાં આવતા ન હોવાની વાત બહાર આવી છે.!

 

ચોંકાવનારો ખુલાસો: વંચિત બાળકો શિક્ષણ તંત્ર માટે માત્ર ‘બફર સ્ટોક’!?!

 

આ બાબતે શિક્ષણ જગતના આંતરિક સૂત્રો સાથે ચર્ચા કરતા હૃદયદ્રાવક સત્ય બહાર આવ્યું છે. શાળાઓમાં બાળકોની સંખ્યાના આધારે શિક્ષકોનું મહેકમ મંજૂર થતું હોય છે. જો બાળકોની સંખ્યા ઘટે તો શિક્ષકની ‘વધ’ થાય અને નિયમ મુજબ ફાજલ શિક્ષકે ગામડાની શાળામાં જવું પડે. પરંતુ શહેરમાં ગોઠવાઈ ગયેલા શિક્ષકોને ગામડામાં જવું ગમતું નથી!

 

કોમર્સની ભાષામાં કહીએ તો આ બાળકો તંત્ર માટે જવાબદારી (Liability) નહીં, પણ આપત્તિના સમયે ઉપયોગમાં આવતી ‘સંપત્તિ’ (Asset) છે!

 

જ્યારે પણ કોઈ શિક્ષક પર ‘વધ’ નું સંકટ આવે ત્યારે પોતાનું સ્થાન બચાવવા માટે તેઓ આવા ભૂંગા અને વાડીઓની મુલાકાત લે છે. આ ગરીબ બાળકો પાસે કોઈ દસ્તાવેજ ન હોવાથી જે શાળાને જેટલી જરૂર હોય તેટલા બાળકોના નામ ચોપડે ચડાવી દેવામાં આવે છે જેથી શાળાનું મહેકમ જળવાઈ રહે અને ફાજલ શિક્ષકે ગામડામાં જવું ન પડે! વંચિત બાળકોના શિક્ષણની ચિંતાનો મનોરથ કોઈને નથી તેમને માત્ર એક ‘બફર સ્ટોક’ તરીકે રાખી મૂકવામાં આવ્યા છે જે મુસીબત સમયે શિક્ષકોનું મહેકમ બચાવવા કામ આવે!

 

નિયમો નેવે મૂકીને બદલી પામેલ શિક્ષકોને છુટા કરવા ચાલી રહેલી રાજ રમત?

 

હાલમાં જ પ્રાથમિક શિક્ષકોની જિલ્લા બદલીઓ કરવામાં આવી છે. સરકારના સ્પષ્ટ નિયમ મુજબ જે શાળામાં ૫૦% થી ઓછા શિક્ષકો હોય ત્યાંથી બદલી પામેલા શિક્ષકને છૂટા કરી શકાય નહીં. આમ છતાં મુંદરા અને કચ્છની અમુક શાળાઓમાં નિયમોથી ઉપરવટ જઈને શિક્ષકોને છૂટા કરી દેવાયાના સમાચાર છે! હવે તે શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે જિલ્લા તંત્ર દ્વારા ‘જ્ઞાન સહાયક’ ની કરાર આધારિત નિમણૂક સ્વીકારવા બેરોજગાર ભાવિ શિક્ષકો પર દબાણ કરાઈ રહ્યું છે. બીજી તરફ અનુકૂળ સ્થળ ન મળવાને કારણે તેઓ પોતાની નિમણૂકના સ્થાને હાજર થવા તૈયાર નથી. જો તંત્ર આના સત્તાવાર આંકડા જાહેર કરે તો પણ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

 

કાયમી ભરતીના બદલે ૧૦૦% બદલીવાળાને છૂટા કરવાની જીદ પાછળ પણ મોટો ‘ખેલ’?

 

કચ્છમાં ખાલી જગ્યાઓ પર સ્થાનિક ઉમેદવારોને તેની માંગણી મુજબ જ્ઞાન સહાયક તરીકે નિમણૂક આપી દેવામાં આવે તો પણ થોડીક ઘટ તુરંત નિવારી શકાય તેમ છે. પરંતુ કાયમી વિદ્યા સહાયક શિક્ષકોની નવી ભરતીની માંગ કરવાના બદલે ખુદ શિક્ષણ જગતના સંગઠનો જ ૧૦૦% બદલીવાળા શિક્ષકોને છૂટા કર્યા બાદ જ નવી ભરતી કરવાની જીદ પકડીને બેઠા હોવાના સમાચાર જાણવા મળે છે. કદાચ આ જીદ પુરી કરવા માટે જગ્યાઓ વધારે બતાવી શકાય એટલે પેલા પુરાવા વગરના ‘બફર સ્ટોક’ સમાન ગરીબ શ્રમિક બાળકોનો દુરુપયોગ કરવાના ઈરાદાથી તો સંગ્રહ કરવામાં નથી આવી રહ્યો ને? એવી શંકા અસ્થાને નથી.

 

લોક આક્રોશ: ગુનાહિત પ્રવૃત્તિઓ વધવાથી મુંદરાનું સામાજિક સ્વાસ્થ્ય બગડે તે પહેલા એક્શન લેવા માંગ 

 

જો મુંદરાનું શિક્ષણ તંત્ર તાકીદે નહીં જાગે તો આ માસૂમ જીંદગીઓ નાની ઉંમરે બાળમજૂરીના કલંક તરફ ધકેલાઈ જશે. એટલું જ નહીં યોગ્ય સંસ્કાર અને શિક્ષણના અભાવે આ બાળકો હાઈવેની આસપાસ ચાલતા દેશી દારૂના ગેરકાયદે વેપાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જાય તેવી પૂરેપૂરી આશંકા છે ત્યારે શિક્ષણ તંત્ર મહારથીઓ તેમના ભવિષ્ય સાથે આવી રાજ રમત રમી રહ્યા છે તે બંધારણીય હક્કની હત્યા સમાન છે. જે ભવિષ્યમાં સમગ્ર મુંદરાના સામાજિક સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા સાબિત થશે.

 

આરોગ્યના ‘પાસપોર્ટ’ની ગુલબાંગો વચ્ચે આ ગરીબ બાળકોની સંભાળ કોણ લેશે?

 

​બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા તાજેતરમાં ૨ કરોડ જેટલા બાળકો માટે “આરોગ્ય પાસપોર્ટ” ની મોટી જાહેરાત તો કરી દેવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે ગુંદાલા રોડ જેવા હાઈવે પરના ઝૂંપડામાં રહેતા આઈડેન્ટિટી પ્રૂફ વગરના ગરીબ શ્રમિક બાળકોના આરોગ્ય અને પોષણની દરકાર કોણ લેશે? તેવા વેધક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.

 

તંત્રના અધિકારીઓ સરકારી એસી ગાડીમાં ફરવાના શોખ અને કાગળ પરના પ્રવેશોત્સવમાંથી બહાર આવીને ગુંદાલા રોડ જેવી હાઈવે ઉપર આવેલી આવી ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને તાત્કાલિક પ્રવેશ અપાવી ગુજરાતમાં શિક્ષણ જેવા મૂળભૂત પાયાના અધિકારથી વંચિત બાળકોને ‘બફર સ્ટોક’ બનાવનારી ભ્રષ્ટ વ્યવસ્થા સામે તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે સરકાર કડક પગલાં ભરે એવી સમગ્ર પંથકમાંથી ઉગ્ર લોક માંગ ઉઠી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!