
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નાગરિકોની સુખ-સુવિધા અને સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા કટિબદ્ધ રહ્યું છે. આપત્તિની સ્થિતિમાં ગ્રામજનોને હિંમત આપવા અને પરિસ્થિતિની વાસ્તવિક સમીક્ષા કરવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ તથા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા વાલીયા તાલુકા ના કોંઢ તથા સિલુડી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. પૂરના પાણીથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભારે વરસાદના કારણે ઘરવખરી, ખેતી અને માલસામાનને થયેલા નુકસાન અંગે જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સર્વે હાથ ધર્યો હતો. જેના અનુસંધાને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરીને કરી તેઓને સહાય-કેશડોલ્સના ચેકની ચૂકવણી કરી હતી.
આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમની રજૂઆતો અને મુશ્કેલીઓને ખૂબ જ સાંભળી હતી તેમજ વહીવટી તંત્ર તરફથી તમામ સંભવિત મદદ ઝડપથી પૂરી પાડવા માટેની મક્કમ ખાતરી આપી હતી.
આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી વધુ સુદ્રઢ અને ઝડપી બને તે હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય દ્વારા સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અને સુદ્રઢ આયોજન કરવા માટેના રચનાત્મક આદેશો આપવામાં આવ્યા હતા.
મુલાકાત સમયે સ્થાનિક અગ્રણીઓ, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



