SURATSURAT CITY / TALUKO

સુરતમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર, હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં ‘રેડ ઍલર્ટ’ જાહેર કર્યું

સુરત શહેરમાં ગઈકાલથી શરૂ થયેલો અવિરત ભારે વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે, છેલ્લા 8 કલાકમાં 10 ઇંચ વરસાદના કારણે સમગ્ર શહેરના જનજીવન પર માઠી અસર પડી છે. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પાંડેસરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીના ભાગરૂપે નજીકમાં આવેલી ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બૅંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરુચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને ઍલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!