MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સિલીકોસીસ પીડિતોની વહારે ન આવી DISH કચેરી; કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

 

MORBI:મોરબીમાં સિલીકોસીસ પીડિતોની વહારે ન આવી DISH કચેરી; કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

 

મોદીજીના ‘રાષ્ટ્ર નિર્માતા’ મોરબીમાં તંત્ર, DISH કચેરી અને ફેક્ટરીઓની લાપરવાહીના કારણે ‘સિલીકોસીસ’ના ખપ્પરમાં હોમાયા: પીડિત શ્રમિકોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર આક્રોશ અને ન્યાય માટે રજૂઆત!

મોરબી, ૦૭ જુલાઈ ૨૦૨૬:
મોરબીના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગમાં રાત-દિવસ વૈતરૂં કરીને મોરબીને ‘સિરામિક સિટી’ બનાવનારા ગરીબ શ્રમિકો આજે ફેક્ટરીઓની ગંભીર લાપરવાહીના કારણે ‘સિલીકોસીસ’ જેવા જીવલેણ વ્યવસાયજન્ય રોગનો ભોગ બની રહ્યા છે. ગરીબ મજૂરોના લોહી-પરસેવાથી ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાનો મુનાફો કમાયો છે, પરંતુ બદલામાં શ્રમિકોને માત્ર રોગ અને મોતની ભેટ મળી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ સ્થાનિક વહીવટી તંત્ર, DISH કચેરી અને સિવિલ હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી સામે ‘સિલીકોસીસ પીડીત સંઘ, મોરબી’ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે.


શ્રમિક સંગઠને આવેદનપત્રમાં આરોગ્ય કમિશનરના તા. ૦૨-૦૧-૨૦૨૬ ના પરિપત્રનો હવાલો આપતા જણાવ્યું છે કે, સિલીકોસીસ પીડિતોને સરકારી હોસ્પિટલોમાં સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં મોરબી સિવિલ હોસ્પિટલની ઓપીડી નં. ૨૦માં કોઈ નિષ્ણાત ફેફસાના ડૉક્ટર હાજર રહેતા નથી અને ગંભીર દર્દીઓની તપાસ માત્ર ઇન્ટર્ન ડૉક્ટરોના ભરોસે છોડી દેવાય છે. ગત તા. ૦૮/૦૧/૨૦૨૬ના રોજ જ્યારે શ્રમિકો રજૂઆત કરવા ગયા ત્યારે હોસ્પિટલના અધિક્ષક દ્વારા પીડિતો સાથે અત્યંત અયોગ્ય અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું, જેની સત્યતા તપાસવા માટે તે દિવસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, કેટલાક સરકારી તબીબો ફરજના સમય દરમિયાન ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હોવાથી સંઘે ઓપીડી વિભાગોના બાયોમેટ્રિક હાજરી પત્રકો અને એટેન્ડન્સ રજિસ્ટર ચકાસી કસૂરવારો સામે કડક વહીવટી પગલાં લેવા માંગ કરી છે.બીજી તરફ, મજૂર કાયદા (ગુજરાત સુધારા) અધિનિયમ ૨૦૧૫ હેઠળ કામદાર વળતર અધિનિયમની કલમ ૨૨(૧ક) મુજબ, જો પીડિત શ્રમિક અસમર્થ હોય તો તેમના વતી વળતરની અરજી કરવાની કાનૂની જવાબદારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (DISH) કચેરીની છે. પરંતુ DISH કચેરી શ્રમિકોના મેડિકલ રેકોર્ડ અને દસ્તાવેજો હોવા છતાં ગુનાહિત મૌન સેવીને બેઠી છે. કંપનીઓને માત્ર ૧૫ દિવસની નોટિસ આપીને સંતોષ માની લેનાર DISH અધિકારીઓ હવે બીમાર મજૂરોને સીધા લેબર કોર્ટમાં ધક્કા ખાવાની સલાહ આપી રહ્યા છે, જે કાયદાની મૂળ ભાવના વિરુદ્ધ છે.
આવેદનપત્રમાં ન્યાય માટે વલખાં મારતા પીડિતોના ત્રણ પ્રતિનિધિ કિસ્સાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ‘સોનેટ સેનેટરીવેર’માં કામ કરનાર શ્રમિક રમેશભાઈ બાબુભાઈ રાઠોડ આજે સિલીકોસીસના કારણે પથારીવશ છે છતાં કંપની વળતર આપતી નથી. બીજા કિસ્સામાં, ‘નોબલ ઇન્ડસ્ટ્રીઝ’ના શ્રમિક મેરુભાઈ દેવશીભાઈ કણજારીયા પાસે રોજગારીના તમામ પુરાવા હોવા છતાં વળતર મેળવ્યા વિના જ ગત તા. ૧૮/૦૪/૨૦૨૬ના રોજ મૃત્યુ પામ્યા છે. ત્રીજા કિસ્સામાં, ‘સિમ્પોલો વિટ્રીફાઈડ’ કંપનીમાં ૨૦ વર્ષથી વધુ સમય કામ કરનાર મીઠાભાઈ પુજાભાઈ સોલંકીએ પોતાના પુરાવા DISH કચેરીમાં આપ્યા હોવા છતાં આજદિન સુધી વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. આ ઉપરાંત, અસંગઠિત શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી એવું ‘વ્યવસાયનું પ્રમાણપત્ર’ આપવામાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભારે વિલંબ કરાતો હોવાથી ગરીબો સહાયથી વંચિત રહે છે.સિલીકોસીસ પીડીત સંઘ દ્વારા મોરબી જિલ્લા પ્રશાસન સમક્ષ મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે કે, સિવિલ હોસ્પિટલમાં સિલીકોસીસ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને કાયમી ધોરણે ફેફસાના નિષ્ણાત તબીબની સેવા ઉપલબ્ધ કરાવાય, ગેરકાયદે ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો સામે પગલાં લેવાય, DISH કચેરી દ્વારા કસૂરવાર ફેક્ટરીઓ સામે સીધી કાનૂની અરજી દાખલ કરાવીને શ્રમિકોને કાયદેસરનું વળતર અપાવવામાં આવે, અસંગઠિત શ્રમિકોને સમયમર્યાદામાં વ્યવસાયના પ્રમાણપત્રો ઈસ્યુ કરાય અને જિલ્લા સિલીકોસીસ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવીને તેમાં શ્રમિક સંઘના પ્રતિનિધિઓને રૂબરૂ સાંભળવામાં આવે.આ રજૂઆતની વિગતવાર નકલો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ ગાંધીનગર ખાતે કાનૂની કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!