RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત ત્રણ માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ

તા.૭/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

ઉપલેટા અને જેતપુર તાલુકામાં પરિવહન માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ

Rajkot: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિમાં ક્ષતિગ્રસ્ત માર્ગોના લીધે પરિવહન સેવા ખોરવાય નહીં તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલા નિર્દેશો મુજબ, તૂટેલા માર્ગોની મરામત યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત ત્રણ માર્ગોનું સમારકામ ચાલી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં વરસાદથી ત્રણ માર્ગો તૂટી જતાં રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમપ્રકાશે આ માર્ગોને સત્વરે રિપેર કરીને મોટરેબલ કરવા સૂચના આપી છે.

ઉપલેટા તાલુકાના ‘જામકંડોરણા-ખીરસરા-ટીંબી-અરણી-ભાયાવદર રોડ’ પર ડાઈવર્ઝનને નુકસાન થયું હતું. માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ડાઈવર્ઝનનું રિપેરિંગ ત્વરિત પૂર્ણ કરીને વાહનચાલકો માટે આ રસ્તો પૂર્વવત્ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

આ જ રીતે ‘સમઢીયાળા-તલંગના-મજેઠી-લાઠ-ભીમોરા રોડ’ પર પણ ડાઈવર્ઝનને નુકસાન પહોંચ્યું હતું, આ સ્થળે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાઠથી ભીમોરા માટેના ડાઈવર્ઝનની રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ મજેઠીથી લાઠ જવા માટે મજેઠી ગામની અંદરથી વૈકલ્પિક રસ્તો ચાલુ છે.

આ ઉપરાંત, જેતપુર તાલુકામાં પણ વરસાદી નુકસાન બાદ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. ‘જેતપુર-બગસરા રોડ’ પર ડાઈવર્ઝન નુકસાનગ્રસ્ત થવાને કારણે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે હાલમાં ટ્રાફિકને દેવકીગાલોળ ગામની અંદરથી સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આમ, ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોની સુવિધા અને સલામતી માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!