NATIONAL

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે SITના પ્રાથમિક રિપોર્ટમાં સંગઠિત ચોરી અને સુરક્ષા ખામીઓ ખુલ્લી પડી

અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના મામલામાં વિશેષ તપાસ ટીમ(SIT)ના પ્રાથમિક રિપોર્ટમાં સુરક્ષાની ગંભીર ખામીઓ અને સંગઠિત ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. મંદિરમાં 27 એપ્રિલ, 2026થી 5 જૂન, 2026 વચ્ચેના 40 દિવસના સીસીટીવી ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે, કાઉન્ટિંગ રૂમના કર્મચારીઓએ નોટોના બંડલ અને છૂટા પૈસા પોતાના કપડાં, બૂટ અને ખિસ્સામાં છુપાવીને કુલ 70 વખત ચોરી કરી હતી.

SITની તપાસમાં મુખ્ય આરોપીઓ અવિનાશ શુક્લા અને મનીષ યાદવ સીધા જ ચોરી કરતા ઝડપાયા છે. જ્યારે અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા અને કરુણેશ પાંડે તેમને ચોરીમાં મદદ કરતા હતા. માત્ર 15 હજાર રૂપિયાની નજીવી નોકરી કરનારા આ આરોપીઓના બૅંક ખાતામાંથી મોટી રકમની રોકડ, એફડી (FD) અને મોટા વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત 4 જૂન, 2026ના રોજ ટ્રસ્ટને બાથરૂમમાંથી પણ 2,25,000 રૂપિયા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

તપાસ રિપોર્ટ અનુસાર, ટ્રસ્ટ દ્વારા સુરક્ષાના સામાન્ય નિયમોનું પણ પાલન કરવામાં આવતું ન હતું. કાઉન્ટિંગ રૂમમાં આવતા-જતાં કર્મચારીઓની રોજ તપાસ કરવાને બદલે ક્યારેક જ તપાસ કરવામાં આવતી હતી. કર્મચારીઓ માટે ખિસ્સા વગરના કપડાં પહેરવાનો કોઈ નિયમ નહોતો, તેમજ મોબાઇલ ફોન અને ચાવી જેવી ખાનગી વસ્તુઓ રાખવા પર પણ કોઈ પ્રતિબંધ નહોતો. દાનપાત્રમાંથી નીકળતી રકમનો કોઈ ચોક્કસ હિસાબ રાખવાને બદલે બધી રકમ ભેગી કરી દેવાતી હતી. આ સાથે જ બાયોમેટ્રિક હાજરી કે ખાવા-પીવાની વસ્તુઓ અંદર લઈ જવા પર કોઈ રોકટોક ન હતી.

ટ્રસ્ટના પ્રતિનિધિ ડૉ. અનિલ મિશ્રા નાણાકીય બાબતો અને રોકડ સંગ્રહના મુખ્ય જવાબદાર વ્યક્તિ હતા અને બૅંક સાથે થયેલા એમઓયુ (MoU) હેઠળ તેઓ જ સત્તાવાર પ્રતિનિધિ હતા. કર્મચારીઓની યોગ્ય તપાસ નથી થતી તેની તેમને પૂરી જાણકારી હોવા છતાં તેમણે કોઈ લેખિત આદેશ જાહેર કર્યો ન હતો. બીજી તરફ, તેમણે નીમેલા ગણતરી કક્ષના પ્રભારી અને નિવૃત્ત બૅંક અધિકારી સુભાષ શ્રીવાસ્તવે પણ દેખરેખમાં ભારે બેદરકારી દાખવી હતી. તેમણે દાનપાત્રની ચાવીઓ સત્તાવાર મંજૂરી વગર રમાશંકર યાદવ ઉર્ફે ટિનુ યાદવ પાસે રહેવા દીધી હતી, જેને એસઆઇટીએ અત્યંત જોખમી ગણાવી છે.

SITના અહેવાલ મુજબ, અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ યાદવ અને કરુણેશ પાંડે સીધી રીતે ચોરી કરવા બદલ ગુનેગાર સાબિત થયા છે. જ્યારે બીજી તરફ, રમાશંકર યાદવ ઉર્ફે ટિનુ યાદવ આ સમગ્ર મામલામાં ગુનાહિત કાવતરું રચવા, ચોરીમાં મદદ કરવા અને ઉશ્કેરણી કરવા બદલ દોષિત મળ્યા છે. ટિનુની ભલામણથી જ તેનો ભત્રીજો મનીષ યાદવ 15 એપ્રિલ, 2026થી કાઉન્ટિંગ રૂમમાં ફરજ પર આવ્યો હતો. બૅંક ખાતાના રૅકોર્ડ દર્શાવે છે કે આ ચોરી 27 એપ્રિલ પહેલાના ઘણા સમયથી ચાલી રહી હતી.

Back to top button
error: Content is protected !!