THARADVAV-THARAD

“જાહેર રસ્તો કે ખાનગી ગોડાઉન? થરાદના જૂના ગંજ બજારમાં બાંધકામ સામગ્રીનો કબજો, લોકો પરેશાન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરના અતિ વ્યસ્ત એવા જૂના ગંજ બજાર ચોપાટી વિસ્તારના જાહેર માર્ગ પર છેલ્લા ઘણા સમયથી બાંધકામ સામગ્રીનો કબજો જામી જતાં સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાનગી રહેણાંક મકાનના બાંધકામ માટે જાહેર રસ્તા પર જ રેતી, કપચી સહિતની સામગ્રીના મોટા ઢગલાં કરી દેવાતા માર્ગ સાંકડો બની ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગંજ બજાર વિસ્તારમાં દિવસભર ખરીદદારો અને વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી રસ્તા પર પડેલી બાંધકામ સામગ્રીના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બે વાહનો સામસામે આવે ત્યારે પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે, જ્યારે રાહદારીઓને પણ જીવના જોખમે રસ્તો ઓળંગવો પડે છે. જેના કારણે અકસ્માતની આશંકા પણ સતત વધી રહી છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે વ્યક્તિને પોતાની મિલકતમાં બાંધકામ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ જાહેર માર્ગ પર લાંબા સમય સુધી બાંધકામ સામગ્રીનો કબજો જમાવી સામાન્ય નાગરિકોની અવરજવરને અવરોધિત કરવી યોગ્ય નથી. આશ્ચર્યની વાત એ છે કે મહિનાઓથી જાહેર માર્ગ પર આ સ્થિતિ હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોએ નગરપાલિકા અને સંબંધિત તંત્રને જાહેર માર્ગ પરથી રેતી, કપચી સહિતની બાંધકામ સામગ્રી તાત્કાલિક દૂર કરાવી માર્ગને સંપૂર્ણ ખુલ્લો કરાવવા માંગ કરી છે. સાથે જ ભવિષ્યમાં જાહેર રસ્તા પર બાંધકામ સામગ્રી મૂકી અવરોધ ઉભો કરનારાઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

સ્થાનિકોનું માનવું છે કે બજાર જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં જાહેર માર્ગ પરનો અવરોધ સમયસર દૂર કરવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનશે, રાહદારીઓને સરળ અવરજવર મળશે અને સંભવિત અકસ્માતો પણ ટાળી શકાશે. હાલમાં સમગ્ર મામલે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!