THARADVAV-THARAD

વાવ-થરાદમાં RTO કચેરી કાર્યરત, અધૂરા સ્ટાફ ની અછત છતાં કામ માટે બનાસકાંઠાના ધક્કા!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_0

નવ રચિત વાવ-થરાદ જિલ્લામાં એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત હોવા છતાં પૂરતા સ્ટાફના અભાવે જિલ્લાના વાહનચાલકો અને અરજદારોને વિવિધ કામગીરી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાઇસન્સ, વાહન નોંધણી, ટેક્સ સહિતની અનેક સેવાઓ માટે લોકોને હજુ પણ પાલનપુર સુધી જવું પડી રહ્યું છે.

વાવ-થરાદ જિલ્લાના એ.આર.ટી.ઓ. અધિકારી તરીકે પાર્થ જોશીની નિમણૂક કરવામાં આવી છે. તેમની પાસે બનાસકાંઠા એ.આર.ટી.ઓ.નો વધારાનો ચાર્જ પણ છે. પાર્થ જોશીના જણાવ્યા મુજબ કચેરીનું પ્રાથમિક કામકાજ શરૂ થઈ ગયું છે અને કેટલીક જગ્યાઓ પર સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીક મહત્વપૂર્ણ નિમણૂકો હજુ બાકી છે. ટૂંક સમયમાં બાકી રહેલી નિમણૂકો પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લાના એ.આર.ટી.ઓ. માટે GJ-40 કોડ ફાળવવામાં આવ્યો છે અને કચેરીને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર તરફથી અંતિમ મંજૂરી અને આદેશ મળ્યા બાદ તમામ સેવાઓ નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.

હાલમાં મર્યાદિત સ્ટાફ સાથે એ.આર.ટી.ઓ. કચેરીનું બેઝિક કામકાજ ચાલી રહ્યું છે. ટેકનિકલ સ્ટાફની નિમણૂકના આદેશો બાકી હોવાથી કેટલીક કામગીરી હજુ પણ GJ-8 (પાલનપુર એ.આર.ટી.ઓ.) હેઠળ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ મહેકમમાં 1 એ.આર.ટી.ઓ. અધિકારી, 14આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, 10ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ મંજૂર હોવા છતાં હાલમાં મર્યાદિત કર્મચારીઓ સાથે કામગીરી ચાલી રહી છે.

જિલ્લાના નાગરિકોની માંગ છે કે નવી આર.ટી.ઓ. કચેરીમાં વહેલી તકે સંપૂર્ણ સ્ટાફની નિમણૂક કરવામાં આવે અને તમામ સેવાઓ સ્થાનિક સ્તરે શરૂ કરવામાં આવે, જેથી વાવ-થરાદ જિલ્લાના લોકોને પાલનપુર સુધી ધક્કા ન ખાવા પડે.

 

Back to top button
error: Content is protected !!