ટેટ-૧ વિદ્યાસહાયક ભરતી: સોશિયલ મીડિયાના અફવાબાજો અને ટ્યુશન માફિયાઓથી ભાવી શિક્ષકો સાવધ રહે; ૧૧,૦૦૦ જગ્યાઓ સામે તમામ લાયક ઉમેદવારોને નોકરી મળવાની ઉજળી તક
અંગત સ્વાર્થ માટે ઉમેદવારોને ગેરમાર્ગે દોરી ભરતી પ્રક્રિયાના 'હવનમાં હાડકા નાખતા' અસામાજિક તત્વો સામે કાયદાકીય આકરા પગલાં લેવા ઉઠતી માંગ

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટ-૧ વિદ્યાસહાયક ભરતી: સોશિયલ મીડિયાના અફવાબાજો અને ટ્યુશન માફિયાઓથી ભાવી શિક્ષકો સાવધ રહે; ૧૧,૦૦૦ જગ્યાઓ સામે તમામ લાયક ઉમેદવારોને નોકરી મળવાની ઉજળી તક
*પ્રી-પ્રાયમરી શાળામાં શિક્ષકોની અછત દૂર કરવા સરકારે બહાર પાડી ૧૧,૦૦૦ જગ્યાઓની ઐતિહાસિક ભરતી
* જગ્યાઓ વધારે અને વાસ્તવિક ઉમેદવારો ઓછા હોવાથી પાસ થનાર તમામ માટે ઉજળા સંજોગો
* અંગત સ્વાર્થ માટે ઉમેદવારોને ગેરમાર્ગે દોરી ભરતી પ્રક્રિયાના ‘હવનમાં હાડકા નાખતા’ અસામાજિક તત્વો સામે કાયદાકીય આકરા પગલાં લેવા ઉઠતી માંગ
મુંદરા(કચ્છ),તા.૮:
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં પ્રી-પ્રાયમરી શાળાઓ (ધોરણ ૧ થી ૫) માટે બહાર પાડવામાં આવેલી ટેટ-૧ વિદ્યાસહાયકની ૧૧,૦૦૦ જગ્યાઓની ભરતી પ્રક્રિયા અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. આ ઐતિહાસિક ભરતીથી હજારો પરિવારોમાં ખુશીનો માહોલ છે પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયા અને અમુક યુ-ટ્યૂબ ચેનલો ચલાવતા અફવાબાજો તેમજ ટ્યુશન ક્લાસીસના સંચાલકો પોતાના અંગત સ્વાર્થ અને આર્થિક ફાયદા માટે ભાવી શિક્ષકોમાં ભ્રમ અને નકારાત્મકતા ફેલાવી રહ્યા છે જે અતિ નિંદનીય છે.
📊 આંકડાકીય વાસ્તવિકતા અને સાચું ગણિત:
શિક્ષણ જગતના જાગૃત નાગરિકો દ્વારા સત્તાવાર આંકડાઓ સાથે આ સમગ્ર મામલાનું નગ્ન સત્ય મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે:
૧. જગ્યાઓ અને જાહેરાત: પ્રી-પ્રાયમરી શાળાઓમાં અંદાજે ૧૬,૦૦૦ શિક્ષકોની ઘટ સામે જાગૃત વાલીઓની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે ૧૧,૦૦૦ જગ્યાઓની સત્તાવાર જાહેરાત (તા. ૦૧/૦૪/૨૦૨૬) બહાર પાડવામાં આવી છે.
૨. પરીક્ષાનું પરિણામ: સરકારે પરીક્ષાનો સમય વધારતા આ વર્ષે ૧૧,૦૨૭ ઉમેદવારો સફળતાપૂર્વક પાસ થયા છે.
૩. વાસ્તવિક અરજીઓ: પાસ થયેલા કુલ ઉમેદવારોમાંથી આશરે ૨,૦૦૦ જેટલા હોશિયાર ઉમેદવારો કાં તો ઉચ્ચ સરકારી હોદ્દા પર ગોઠવાઈ ગયા છે અથવા અન્ય નોકરીઓમાં જોડાઈ ચૂક્યા છે. પરિણામે વિદ્યાસહાયક માટે વાસ્તવિક અરજી કરનારા ઉમેદવારોની સંખ્યા ૯,૦૦૦ થી પણ ઓછી હોવાનો અંદાજ છે.
મુખ્ય મુદ્દો: રાજ્યમાં કુલ જગ્યાઓ ૧૧,૦૦૦ છે અને નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માંડ ૯,૦૦૦ ની આસપાસ છે. આ સાદા ગણિત મુજબ મેરિટમાં આવતા 90 માર્ક મેળવેલ તમામ પ્રમાણિક અને લાયક ઉમેદવારોને ૧૦૦% સરકારી નોકરી મળવાના ઉજળા સંજોગ છે.
🛑 ટ્યુશન ક્લાસીસના સ્વાર્થ સામે કાયદાનો આકરો સકંજો જરૂરી:
આ સ્પષ્ટ ચિત્ર હોવા છતાં ટ્યુશન ક્લાસીસવાળા બરાબર જાણે છે કે જો પાસિંગ માર્કસ પણ આવી જાય તો નોકરી પાકી છે. પોતાના ક્લાસીસનું નામ ચમકાવવા અને પાંચ-દસ માર્કસ માટે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉશ્કેરીને અદાલતમાં પાયાવિહોણા કેસ દાખલ કરાવવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૬૦૦ જેટલા ઉમેદવારો જ કોર્ટમાં ગયા છે જેમની પાસે કોઈ મજબૂત કાનૂની પુરાવા નથી. કોઈપણ ચોક્કસ પ્રશ્નની ભૂલ શોધવાને બદલે “૩ થી ૫ માર્કસનું જનરલ ગ્રેસિંગ” આપવાની માગણી કરવી એ રાત-દિવસ મહેનત કરીને પાસ થનાર હોશિયાર વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય છે. આ પ્રવૃત્તિ ભરતી પ્રક્રિયાના “હવનમાં હાડકા નાખવા” સમાન છે.
⚖️ ન્યાયતંત્ર અને ભરતી બોર્ડ પર અડગ ભરોસો:
કોર્ટે કોઈપણ સુનાવણીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ (PML) કે સમગ્ર ભરતી પ્રક્રિયા પર કોઈ સ્ટે (મનાઈહુકમ) આપ્યો નથી. વળી કોર્ટે જે થોડાક ઉમેદવારોના માત્ર ઑફલાઇન ફોર્મ સ્વીકાર્યા છે (એટલે કે ઓનલાઇન ફોર્મ ભરવાની મંજૂરી પણ નથી આપી.) તે માત્ર કેસના પુરાવા પૂરતા છે તેનો અર્થ એવો જરાય નથી કે તેઓને ભરતી માટે લાયક ગણ્યા છે.
હજુ હમણાં જ શિક્ષણ વિભાગ અને ભરતી બોર્ડે જ્ઞાન સહાયકની ભરતીમાં માત્ર ૭ જ દિવસમાં (૧૧ જૂને જાહેરાત અને ૧૮ જૂને ઓર્ડર) પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની સુપરફાસ્ટ કાર્યક્ષમતાનો જીવંત દાખલો આપ્યો છે. જો કોર્ટ પેલા ૬૦૦ ઉમેદવારોના ફેવરમાં ચુકાદો આપે તો પણ ૧૧,૦૦૦ માંથી ૨,૦૦૦ જગ્યાઓ ખાલી જ રહેવાની છે જેથી તેમની ભરતીને પણ કોઈ આંચ આવવાની નથી.
🎯 ભાવી શિક્ષકો અને સરકારને અપીલ:
સોશિયલ મીડિયા પર “પીળા” ને કે ભ્રામક સંબોધનો સાથે વ્યુઝ કમાવવા બેઠેલા તત્વોથી ભાવી શિક્ષકો ગભરાય નહીં અને નાસીપાસ ન થાય. તેમજ આવા અસામાજિક તત્વો જો વિદ્યાર્થીઓને ઉશ્કેરીને ખોટી કોર્ટ મેટર ઊભી કરતા સાબિત થાય તો ન્યાયતંત્ર તેમને ભવિષ્યની તમામ પરીક્ષાઓમાંથી ગેરલાયક ઠરાવવાનો ઉદાહરણરૂપ ચુકાદો આપે તેવી શિક્ષણ જગતના હિતમાં ઉગ્ર માંગ ઉઠી છે.
યુટ્યુબ ચેનલો ચલાવનારાઓ શિક્ષણની ગરિમા જાળવી વિદ્યાર્થીઓને ગાંધીનગરના ધક્કા ખવડાવવા કે આંદોલનો માટે ઉશ્કેરવાનું બંધ કરે અને નકારાત્મકતા છોડી શિક્ષણ જગતના હિતમાં સકારાત્મક બને એ જ સમયની માંગ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



