
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : કુણોલ-મેઘરજ રોડ પર નવનિર્મિત ગરનાળું બેસી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં, અકસ્માતનો ભય – ગરનાળું બનાવ્યા પછી પાકું કામ કરવાનું કોન્ટ્રાક્ટર ભૂલી ગયા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કુણોલ થી મેઘરજને જોડતા મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલું નવું ગરનાળું બેસી જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. ગરનાળું બેસી જવાથી રસ્તા પર ખાડા અને અસમતળ સપાટી ઊભી થઈ છે, જેના કારણે રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માર્ગ અને મકાન વિભાગે નવા ગરનાળાનું બાંધકામ પૂર્ણ કર્યા બાદ તેની ઉપરનો રસ્તો પાકી રીતે તૈયાર કર્યો નથી. ચોમાસાની ઋતુ શરૂ થવાની હોવા છતાં માત્ર મેટલ પાથરી કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.વરસાદી માહોલમાં રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બનતાં ખાસ કરીને બાઈકચાલકો અને નાના વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને ગરનાળા ઉપરનો રસ્તો પાકી રીતે બનાવી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી છે. હાલમાં વિભાગ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.




