MORBI:મોરબી જિલ્લામાં મહેસૂલી તલાટીઓની બદલી-નિમણૂક પ્રક્રિયા મેરિટ અને લાઈવ ચોઈસ પદ્ધતિથી સંપૂર્ણ પારદર્શક રીતે સંપન્ન




MORBI:મોરબી જિલ્લામાં મહેસૂલી તલાટીઓની બદલી-નિમણૂક પ્રક્રિયા મેરિટ અને લાઈવ ચોઈસ પદ્ધતિથી સંપૂર્ણ પારદર્શક રીતે સંપન્ન

કલેક્ટર કચેરી ખાતે રાજ્ય સરકારની નીતિ અનુસાર જિલ્લા બદલીથી આવેલા ૨૦ અને નવનિયુક્ત ૪૭ મળી કુલ ૬૭ તલાટીઓને સ્થળ પર જ આદેશો એનાયત કરાયા

રાજ્ય સરકારની વહીવટી બદલી નીતિ તેમજ મહેસૂલ વિભાગની માર્ગદર્શિકા અનુસાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસૂલી તલાટીઓની બદલી અને નિમણૂકની પ્રક્રિયા સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શકતા સાથે પૂર્ણ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક વિશેષ કેમ્પમાં, અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા ૨૦ તલાટીઓ તેમજ જિલ્લામાં નવી નિમણૂક પામેલા ૪૭ કર્મયોગીઓ મળી કુલ ૬૭ મહેસૂલી તલાટીઓ માટે મેરિટ નંબરના આધારે ‘લાઈવ ચોઈસ’ દ્વારા તાલુકા અને સેજાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ઓન-ધ-સ્પોટ પદ્ધતિ હેઠળ, તમામ કર્મચારીઓને તેમના મેરિટ ક્રમ મુજબ ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાંથી મનપસંદ સ્થળ પસંદ કરવાની સમાન તક મળી હતી અને પસંદગી પ્રક્રિયા પૂર્ણ થતાં જ નિમણૂકના ઓર્ડર સ્થળ પર જ એનાયત કરી દેવાયા હતા. આ વહીવટી પ્રક્રિયામાં માનવીય અભિગમ દાખવતા, જિલ્લામાં એક જ સેજા અથવા કચેરીમાં સતત ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા જૂના તલાટીઓને પણ મેરિટના આધારે પોતાની ઈચ્છા મુજબ નવો સેજો પસંદ કરવાનો હકારાત્મક વિકલ્પ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલતા પૂર્વક દિવ્યાંગ, ગંભીર બીમારીથી પીડિત તેમજ પતિ-પત્ની સરકારી સેવામાં હોય તેવા કર્મચારીઓના કિસ્સાઓમાં રાજ્ય સરકારના ખાસ નિયમો અન્વયે છૂટછાટ આપી તેમની કૌટુંબિક પરિસ્થિતિને અનુલક્ષીને યોગ્ય સ્થળ પસંદગીનો વિશિષ્ટ લાભ આપવામાં આવ્યો હતો. સમગ્ર બદલી પ્રક્રિયા કોઈપણ ભલામણ વગર સંપૂર્ણપણે મેરિટ આધારિત અને પારદર્શી રીતે પૂર્ણ કરવામાં આવી હતી.



