MORBI:મોરબીમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ: શાંતિ સમિતિની બેઠક બાદ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ




MORBI:મોરબીમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ: શાંતિ સમિતિની બેઠક બાદ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ

રિપોર્ટર મોહસીન શેખ દ્વારા મોરબી
1 DySP, 5 PI, 11 PSI સહિત 70થી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

મોરબી: અષાઢી બીજના પાવન અવસરે મોરબી શહેરમાં યોજાનારી પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે મોરબી શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં રથયાત્રાના આયોજકો, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી પ્રતિનિધિઓ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી ભાઈચારા અને સૌહાર્દના વાતાવરણમાં રથયાત્રાની ઉજવણી થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ડીવાયએસપી જે. એમ. આલે જણાવ્યું હતું કે, રથયાત્રા દર વર્ષની જેમ મહેન્દ્રપરાથી પ્રસ્થાન કરીને આસ્વાદ પાન, સુપર ટોકીઝ, સીપીઆઈ ચોક, નગર દરવાજા અને ગ્રીન ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. યાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ કરી જરૂરી આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

ત્યારબાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચમાં 1 ડીવાયએસપી, 5 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તેમજ અંદાજે 70થી 80 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ફ્લેગ માર્ચ દ્વારા શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસની સજ્જતા અને જનસુરક્ષાપ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.



