ટ્રમ્પે ફરી આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરવાની આપી ધમકી

ઈરાન સાથે યુદ્ધવિરામ તૂટ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગમે તે ક્ષણે ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પના આ આક્રમક એલાન બાદ પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને તણાવનો માહોલ ઉભો થયો છે.
ટ્રમ્પની ચેતવણી સાથે જ ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકી યુદ્ધ વિમાનોની ભારે હલચલ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને ખુલાસો કર્યો છે કે, ‘યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ આવેલા અમેરિકી વિમાનોમાંથી આશરે 50% વિમાનો આજે પણ અહીં તૈનાત છે.’ આ તમામ રીફ્યુલિંગ વિમાનો છે, જે હવામાં જ ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન પર ગમે ત્યારે હવાઈ હુમલો કરવા માટે પૂરી ઘેરાબંદી કરી લીધી છે.
અમેરિકાની આ સૈન્ય તૈયારીઓ સામે ઈરાને પણ ‘અમે ડરતા નથી’ તેવા તેવર બતાવ્યા છે. ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ એડમિરલ હબીબુલ્લાહ સૈયારીએ કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, ‘જે પણ સેના ઈરાનની ધરતી કે તેના દરિયાઈ તટ પર પગ મૂકવાની હિંમત કરશે, તે એક એવા ભયાનક નરકમાં પ્રવેશ કરશે જ્યાંથી જીવતા બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય.’
ઈરાની એડમિરલે ડોનાલ્ડ ટ્રમ્પની મિલિટ્રી યોજનાઓની મજાક ઉડાવતા જણાવ્યું કે, ટ્રમ્પ અગાઉ પણ હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ દ્વીપ પર કબ્જો કરવાના મોટા દાવા કરી ચૂક્યા છે પરંતુ તેને જમીન પર લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ‘ટ્રમ્પ કદાચ ખોટી માનસિકતામાં જીવે છે કે ઈરાન પણ વેનેઝુએલા કે અન્ય નબળા દેશો જેવું છે, જ્યાં અમેરિકા પોતાની મનમાની ચલાવી શકે અને સામે કોઈ જવાબ ન મળે.’




