
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકા પંચાયતની કિશનગઢ બેઠક મામલે DDOનો મોટો નિર્ણય, સતીશકુમાર તબીયાડ સામેની ગેરલાયક ઠરાવવાની અરજી ફગાવાઈ
અરવલ્લી : ભિલોડા તાલુકા પંચાયતની 7- કિશનગઢ બેઠકના વિજેતા સભ્ય સતીશકુમાર એન. તબીયાડ સામે ત્રીજા સંતાનના મુદ્દે કરવામાં આવેલી ગેરલાયક ઠરાવવાની અરજી જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા ફગાવી દેવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી મહક જૈન (IAS) દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

અરજદાર દ્વારા સતીશકુમાર તબીયાડને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ત્રીજા સંતાનના આધારે સભ્યપદ માટે ગેરલાયક ઠરાવવાની માંગ કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાનમાં જિલ્લા વિકાસ અધિકારીએ બંને પક્ષોની રજૂઆતો સાંભળી તેમજ જન્મ પ્રમાણપત્ર સહિતના વિવિધ સરકારી દસ્તાવેજો અને રેકોર્ડની તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન સત્તાવાર દસ્તાવેજોમાં સ્પષ્ટ થયું કે વિવાદનો વિષય બનેલું બાળક સતીશકુમાર તબીયાડનું નહીં પરંતુ તેમના ભાઈનું છે. તેથી અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને સમર્થન આપતા પૂરતા અને વિશ્વસનીય પુરાવા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના હુકમમાં જણાવ્યું કે જન્મ પ્રમાણપત્ર સહિતના સરકારી રેકોર્ડને માન્ય અને વિશ્વસનીય પુરાવા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. અરજદારના આક્ષેપો પુરાવાના અભાવે સાબિત ન થતા ગેરલાયક ઠરાવવાની અરજી દફતરે કરવામાં આવી છે.આ નિર્ણય સાથે સતીશકુમાર એન. તબીયાડનું ભિલોડા તાલુકા પંચાયતના કિશનગઢ બેઠકના સભ્ય તરીકેનું સભ્યપદ યથાવત રાખવામાં આવ્યું છે.



