GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ: નંદી ઘર અને નાની કેનાલ રોડના કામો મુદ્દે કોર્પોરેટરોએ સભા ગજવી

 

MORBI: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ: નંદી ઘર અને નાની કેનાલ રોડના કામો મુદ્દે કોર્પોરેટરોએ સભા ગજવી

 

મોરબી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા આજે યોજાઈ હતી. જેમાં પ્રથમ સભા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટે હતી, જ્યારે આ બીજી સભામાં શહેરના વિવિધ પ્રશ્નો અને ઠરાવો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા પોતાના જ શાસનમાં અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની, વિસ્તારમાં કામ ન થતા હોવાની અને નંદીઘરની બદતર હાલત અંગે આકરા સવાલો ઉઠાવી સભા ગજવી હતી. સભામાં રજૂ કરાયેલા તમામ 4 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ વિભાગના તારીખ 8-6-2026 ના પત્ર અન્વયે સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે માસિક 7000 રૂપિયા માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત

મીટિંગ ભથ્થું 500, ટેલિફોન ભથ્થું 1000 અને સ્ટેશનરી ભથ્થું 1500 રૂપિયા નક્કી કરાયું છે. આ તમામનો અમલ 1 જુલાઈથી થશે. આ સાથે સ્થાયી સમિતિ, મેયર અને ડેપ્યુટી મેયરની ઓફિસ માટે માસિક 15000 રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મોરબી નવી મહાનગરપાલિકા હોવાથી તેનું સંચાલન કેવી રીતે કરવું તેના કોઈ નિયમો બનેલા ન હોવાથી, હાલ પૂરતા મેન્ટર કોર્પોરેશન તરીકે રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય સભાના નિયમો અપનાવવાનો ઠરાવ પસાર કરાયો છે.

મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે નંદી ઘરનો મુદ્દો ભારે ગાજ્યો કોર્પોરેટર ભુપતભાઈ જારિયાએ આ મુદ્દે આકરા પાણીએ થઈને તંત્રને આડે હાથ લીધું હતું.

સામાન્ય સભા દરમિયાન કોર્પોરેટર ભુપતભાઈ જારિયાએ નંદી ઘરના સંચાલન અને તેમાં થયેલી ગેરરીતિઓ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “નંદી ઘરના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ મામલે માત્ર નાના કર્મચારીઓનો બલિનો બકરો બનાવીને તંત્ર સંતોષ માની શકે નહીં. ફક્ત નાના કર્મચારીઓને દોષી ઠેરવીને આ આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ ન થવો જોઈએ.ભુપતભાઈ જારિયાએ આ સમગ્ર ઘટનાની પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો અને મોટા માથાઓને ખુલ્લા પાડવા માટે ઉચ્ચસ્તરીય તપાસ (High-level Investigation) કરાવવાની મજબૂત માંગ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કૌભાંડમાં જે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે પદાધિકારી સામેલ હોય, તેમની સામે તપાસ કરીને કડકમાં કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવે.”મૂંગા પશુઓના નામે થતી ગેરરીતિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. નાના કર્મચારીઓને આગળ ધરીને અસલી ગુનેગારો બચી જવા ન જોઈએ.”– ભુપતભાઈ જારિયા (કોર્પોરેટર) નંદી ઘરમાં રાખવામાં આવતા પશુઓની દયનીય સ્થિતિ અંગે પણ સભામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભુપતભાઈ જારિયાએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, માત્ર કાગળ પર વાતો કરવાના બદલે નંદી ઘરમાં રહેલા પશુઓ માટે ઘાસચારો, પાણી અને શેડ સહિતની યોગ્ય અને પૂરતી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે, જેથી મૂંગા પશુઓને રખડવું ન પડે અને તેમને પૂરતું રક્ષણ મળી રહે.

મોરબી શહેરમાં વિકાસ કાર્યોની ગુણવત્તા અને આયોજન સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા નાની કેનાલ રોડના નિર્માણમાં મોટી વિસંગતતા સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડના જાગૃત કોર્પોરેટર ભાવેશભાઈ કણજારિયાએ આ સમગ્ર મામલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે.

કોર્પોરેટર ભાવેશભાઈ કણજારિયાએ સત્તાધિશોને રોકડતો સવાલ પૂછ્યો છે કે, મંજૂર થયેલા પ્લાન અને નકશા મુજબ આ રોડ ૨૦ મીટર પહોળો બનાવવાનો હતો, તો પછી કયા કારણોસર તેને માત્ર ૧૮ મીટરનો જ બનાવવામાં આવી રહ્યો છે? આ ૨ મીટરનો તફાવત કોના ઈશારે અને કેમ રાખવામાં આવ્યો?”જનતાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ ન ચલાવી લેવાય. જો પ્લાન ૨૦ મીટરનો હોય, તો રોડ પૂરેપૂરો ૨૦ મીટરનો જ બનવો જોઈએ.”– ભાવેશભાઈ કણજારિયા (કોર્પોરેટર) માત્ર નાની કેનાલ રોડ જ નહીં, પરંતુ મોરબીના કરોડોના ખર્ચે બની રહેલા આઇકોનિક રોડ પ્રોજેક્ટની ધીમી ગતિ અને તેની નબળી કામગીરી સામે પણ ભાવેશભાઈએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. રોડના આયોજનમાં ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી રાખવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે વધી શકે છે.પહોળાઈમાં ઘટાડો: ૨૦ મીટરના બદલે ૧૮ મીટર રોડ બનતા ભવિષ્યમાં ટ્રાફિક બોટલનેક સર્જાવાની ભીતિ. આઇકોનિક રોડ પ્રોજેક્ટના પ્લાનિંગ અને અમલીકરણ સામે સવાલો. આ પ્રોજેક્ટમાં થયેલી કથિત બેદરકારી કે ફેરફાર અંગે તટસ્થ તપાસ થાય તેવી સ્થાનિકો અને વિપક્ષની માંગ.હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેટરના આ વેધક સવાલો બાદ મોરબી નગરપાલિકા/તંત્ર દ્વારા આ અંગે શું ખુલાસો કરવામાં આવે છે અને રોડની કામગીરી નકશા મુજબ સુધારવામાં આવે છે કે નહીં!

Back to top button
error: Content is protected !!