
નબળી આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરી PSI બનનાર દિવ્યાબેન પોહનાભાઈ વસાવા સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધી : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની દિવ્યાબેન પોહનાભાઈ વસાવાએ નબળી આર્થિક અને સામાજિક પરિસ્થિતિ વચ્ચે અવિરત મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસના બળે બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી મેળવી સમગ્ર આદિવાસી સમાજ તેમજ રાજ્યની દીકરીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દિવ્યાબેને સાબિત કર્યું છે કે સંઘર્ષ અને સતત પરિશ્રમથી શૂન્યમાંથી પણ સફળતાનું શિખર સર કરી શકાય છે. તેમની આ સિદ્ધિ દરેક દીકરીને પોતાના પગ પર ઊભી રહી આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવાનો સશક્ત સંદેશ આપે છે.
વર્ષ 2023-24ની પોલીસ ભરતી અંતર્ગત 13 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલી બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પરીક્ષામાં દિવ્યાબેન સફળ રહ્યા હતા. ત્યારબાદ તા. 08 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે 449 નવા PSI ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ભરતી પ્રક્રિયામાં દિવ્યાબેને કુલ 472 ઉમેદવારોમાંથી 421મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ST મહિલા વર્ગમાં 9મો રેન્ક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. તેમની આ સફળતાથી તેમના માતા-પિતા, પરિવાર, ગામ તેમજ સમગ્ર આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
ઉલ્લેખનીય છે કે દિવ્યાબેને અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી હતી. સરકારી નોકરીની તક હોવા છતાં તેમણે વધુ મહેનત કરી પોતાના ઉચ્ચ લક્ષ્યને સિદ્ધ કરતાં PSI તરીકે પસંદગી મેળવી છે, જે તેમની અડગ મહેનત અને દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે.
દિવ્યાબેન પોહનાભાઈ વસાવાની આ ઐતિહાસિક સિદ્ધિને સમાજના આગેવાનો, શુભેચ્છકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની સફળતા અનેક યુવાનો, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ, સ્વાવલંબન અને સરકારી સેવાઓમાં આગળ વધવા માટે નવી પ્રેરણા આપશે.




