GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર રોડ પર શંકાસ્પદ બાઇક ચાલકને રોક્યો, પોકેટકોપમાં સર્ચ કરતા જ ખૂલ્યો જામનગરની ચોરીનો ભેદ!

 

WAKANER:વાંકાનેર રોડ પર શંકાસ્પદ બાઇક ચાલકને રોક્યો, પોકેટકોપમાં સર્ચ કરતા જ ખૂલ્યો જામનગરની ચોરીનો ભેદ!

 

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક પ્રશંસનીય કામગીરી કરીને પાંચ મહિના પહેલાં જામનગરમાંથી ચોરાયેલી મોટરસાયકલ શોધી કાઢી છે. આ સાથે જ ચોરીના બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. અને પેરોલ સ્ટાફની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને ગુનાશોધન માટે પ્રયત્નશીલ હતી. આ દરમિયાન મોરબી-વાંકાનેર રોડ પર આવેલી ઓક્ટ્રી હોટલ સામેથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો.

પોલીસે વોચ ગોઠવીને વાંકાનેર તરફથી આવતા આ ચાલકને રોક્યો હતો. પૂછપરછ દરમિયાન તેની ઓળખ માલાભાઇ કાળુભાઇ બરવાડીયા (ઉં.વ. ૩૦, રહે. નવા જાંબુડીયા, શક્તિપરા, તા.જિ. મોરબી) તરીકે થઈ હતી.

પોલીસે જ્યારે માલાભાઇ પાસે બાઇકના કાગળો માંગ્યા, ત્યારે તેની પાસે કોઈ દસ્તાવેજો નહોતા. બાઇકની માલિકી અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, આ મોટરસાયકલ તેણે પોતાના ભત્રીજા વિજય અજય ઉર્ફે ભદાભાઇ સલાટ (રહે. જાંબુડીયા, મોરબી) પાસેથી મેળવી હતી.

બાઇક ચોરીની હોવાની શંકા દ્રઢ થતાં પોલીસે ‘પોકેટકોપ’ (PocketCop) મોબાઇલ એપ્લિકેશનમાં મોટરસાયકલના નંબરના આધારે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન સામે આવ્યું કે આ મોટરસાયકલ પાંચ મહિના પહેલાં જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી, જે અંગે કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધાયો હતો અને તે અત્યાર સુધી વણશોધાયેલ (અનડીટેક્ટ) હતો.

પોલીસે ચોરીની મોટરસાયકલને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે લીધી છે. આ સાથે જ આરોપી માલાભાઇ બરવાડીયાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-૩૫(૧)(b) મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જામનગર સીટી બી ડિવિઝન પોલીસને આ અંગે સત્તાવાર જાણ કરી આગળની તપાસ આરંભવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!