MORBI:મોરબીના મગફળી ગોડાઉનની આગને એક સપ્તાહ વીત્યું, હજુ પણ કૂલિંગ કામગીરી ચાલુ

MORBI:મોરબીના મગફળી ગોડાઉનની આગને એક સપ્તાહ વીત્યું, હજુ પણ કૂલિંગ કામગીરી ચાલુ
મોરબીના રફાળેશ્વર નજીક આવેલ એક વેરહાઉસમાં લાગેલી ભીષણ આગને આજે પૂરો એક સપ્તાહ જેવો વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ ઘટનાસ્થળે ફાયર ફાઈટિંગ અને કૂલિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગત શનિવારે લાગેલી આ આગમાં નાફેડ (NAFED) દ્વારા ખરીદવામાં આવેલો ૪૪ કરોડથી વધુની કિંમતનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
ગત શનિવારે એટલે કે તા. ૦૪ જુલાઈના રોજ બપોરના સુમારે આ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે એક સપ્તાહ વીતી જવા છતાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. જો કે, આગના ભડકા અત્યારે શાંત પડ્યા છે, પરંતુ અંદર હજુ પણ ધુમાડા અને સુસવાટા ચાલુ હોવાથી કૂલિંગ ઓપરેશન લંબાયું છે. આજે શનિવારે પણ ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ૩ ટીમો સતત તૈનાત છે. આ ઉપરાંત, ગોડાઉનમાંથી ચીજવસ્તુઓ અને બળેલો કાટમાળ હટાવવા માટે ૫ હિટાચી મશીન અને ૩ ડમ્પર જેવા ભારે સાધનોની મદદ લેવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, રફાળેશ્વર નજીક આવેલી એક સિરામિક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં સ્થિત આ ગોડાઉન વેરહાઉસ કોર્પોરેશન દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી અંદાજે ૧.૫૯ લાખ મગફળીની ગુણીઓનો વિશાળ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો.આગના કારણે કરોડો રૂપિયાની કિંમતી મગફળીનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામતા વહીવટી તંત્ર અને નાફેડને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત ૭ દિવસથી રાત-દિવસ એક કરીને કામ કરી રહેલો ફાયર સ્ટાફ હજુ પણ સ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રાખશે તેમ જાણવા મળ્યું છે.










