
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
વિદ્યાર્થીઓની મુશ્કેલીનો આવ્યો અંત : શામળાજી-ઈસરી રૂટ પર ભિલોડા એસ.ટી. ડેપોએ શરૂ કરી વધારાની બસ
અરવલ્લી જિલ્લાના શામળાજીથી ઈસરી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે વાઘપુર, રામપુર, ભીમપગલાં, સરકીલીમડી, કુડોર, કાગડા મહુડા, વાંટા અને નવી ઈસરી સહિતના ગામોના આશરે 50થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ મુસાફરી કરે છે. બસની અછતને કારણે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો
વિદ્યાર્થીઓ અને વાલીઓની આ સમસ્યાને ગંભીરતાથી લઈ ભિલોડા એસ.ટી. ડેપોના મેનેજર સંદીપભાઈ જે. સુથાર તથા કંટ્રોલએ બપોરના સમયે વધારાની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ હવે સમયસર શાળાએ પહોંચી શકશે અને તેમની દૈનિક મુસાફરી વધુ સુગમ બની છે.
ભિલોડા એસ.ટી. ડેપો દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી પહેલને વિસ્તારના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ ઈસરી હાઈસ્કૂલના આચાર્ય કમલેશભાઈ એ. પંચાલે બિરદાવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ એસ.ટી. ડેપો મેનેજર તથા કંટ્રોલરશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.આ સમગ્ર પ્રયાસમાં સામાજિક કાર્યકર દુર્ગેશભાઈ કટારાનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હોવાનું જણાવાયું છે. તેમના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે વિદ્યાર્થીઓની લાંબા સમયથી ચાલતી સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી છે.





