BAYADGUJARAT

​બાયડના ડેમાઈ પંથકના પશુપાલકો સાથે અન્યાય: અમૂલ ડેરીમાં દૂધ સ્વીકારવાનો ઇનકાર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પશુપાલકોની વેદના વાચા આપી

કિરીટ પટેલ માયડ

​બાયડના ડેમાઈ પંથકના પશુપાલકો સાથે અન્યાય: અમૂલ ડેરીમાં દૂધ સ્વીકારવાનો ઇનકાર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પશુપાલકોની વેદના વાચા આપી

બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલ ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 8 થી 10 વર્ષથી અમૂલ ફેડરેશનમાં દૂધ ભરાવતા પશુપાલકોને હવે અમૂલ દ્વારા દૂધ લેવાની મનાઈ ફરમાવવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. આ અંગે પશુપાલકોની વેદનાને વાચા આપવા માટે બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ડેમાઈ ખાતે પશુપાલકો સાથે ખાસ બેઠક યોજી હતી.
​પશુપાલકોને આર્થિક ફટકો
સ્થાનિક પશુપાલકોના જણાવ્યા મુજબ, તેઓ વર્ષોથી ખેડા જિલ્લા સ્થિત અમૂલ ડેરીમાં પોતાનું દૂધ ભરાવી રહ્યા હતા. જોકે, હવે અમૂલ ફેડરેશન દ્વારા મૌખિક આદેશ આપીને તેમને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં દૂધ ભરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે, સાબર ડેરીમાં દૂધ ભરાવવાથી તેમને અમૂલની તુલનાએ પ્રતિ લીટરે રૂ. 2 થી 4 ઓછો ભાવ મળે છે. આ ભાવ તફાવતને કારણે પશુપાલકોને વાર્ષિક લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, જે તેમના જીવનનિર્વાહ પર સીધી અસર કરી રહ્યું છે.
​ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દરમિયાનગીરી
પશુપાલકોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ડેમાઈ ખાતે પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે પશુપાલકોની આર્થિક સ્થિતિ અને તેમની વેદનાને ધ્યાનપૂર્વક સાંભળી હતી. ધારાસભ્યએ આ મુદ્દે સંબંધિત તંત્ર અને અમૂલના સત્તાધીશો સાથે વાતચીત કરી પશુપાલકોને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ હોવાની ખાતરી આપી હતી.
​આંદોલનની ચીમકી
બેઠક દરમિયાન પશુપાલકોએ સ્પષ્ટપણે માંગણી કરી હતી કે, તેમને પૂર્વવત અમૂલ ફેડરેશનમાં જ દૂધ ભરવાની મંજૂરી આપવામાં આવે. જો વહીવટીતંત્ર અને અમૂલ દ્વારા પશુપાલકોના હિતમાં સત્વરે નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં પશુપાલકો દ્વારા ઉગ્ર અને જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
​હવે જોવાનું એ રહેશે કે, શું અમૂલ તંત્ર પશુપાલકોની માગણી સ્વીકારીને તેમને ફરીથી અમૂલમાં દૂધ ભરવાની છૂટ આપે છે કે પછી પશુપાલકો આંદોલનના માર્ગે આગળ વધશે.

Back to top button
error: Content is protected !!