GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખરેના રાજમાં અંજવાળા તો રૈયાણીના રાજમાં અંધારા? અઠવાડિયાથી લાઈટો બંધ હોવા છતાં તંત્ર નિદ્રામાં

 

MORBI:મોરબી ખરેના રાજમાં અંજવાળા તો રૈયાણીના રાજમાં અંધારા? અઠવાડિયાથી લાઈટો બંધ હોવા છતાં તંત્ર નિદ્રામાં

 

“મત લેવા ટાણે રવિવાર નહોતો નડ્યો?”: ઉમિયા સર્કલથી દલવાડી રોડ સુધી અઠવાડિયાથી અંધારપટ, તંત્રની ઘોર બેદરકારી

શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર અને શાસકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના મુખ્ય માર્ગ પરની તમામ સ્ટ્રીટ લાઈટો છેલ્લા એક અઠવાડિયાથી બંધ હાલતમાં છે. ચોમાસાની સીઝનમાં ઘોર અંધારાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

કોર્પોરેટરો બેજવાબદાર, મેયરે આપ્યું ‘રવિવારનું બહાનું’!સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે વિસ્તારના કોર્પોરેટરોને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આખરે કંટાળીને લોકોએ જ્યારે મેયરનો ફોન પર સંપર્ક કર્યો, ત્યારે મેયરે “આજે રવિવાર છે” તેવું કહીને રજૂઆતને ગંભીરતાથી લીધી ન હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે.

મેયરના આ વલણથી સ્થાનિકોમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકો આક્રોશપૂર્વક પૂછી રહ્યા છે કે:”જ્યારે ચૂંટણી વખતે મતો લેવા માટે હાથ જોડીને નીકળ્યા હોય ત્યારે કોઈ રવિવાર નડતો નથી? જનતાના કામ કરવાની વાત આવે ત્યારે જ તંત્રને રવિવારની રજા યાદ આવે છે?”

સોશિયલ મીડિયા અને લોકમુખે ચર્ચાતી વાતો મુજબ, ભૂતકાળના શાસકો સાથે સરખામણી કરીને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું મહાનગરપાલિકાના સત્તાધીશો માત્ર પગાર અને ભથ્થાં લેવા માટે જ ખુરશી પર બેઠા છે કે પછી જનસુવિધા માટે? સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરીને અંધારપટ્ટ દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રોડ રસ્તા ચક્કાજામ કરવામાં આવશે અને નેતાઓ વિરુદ્ધ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આ આક્રોશ પછી તંત્ર જાગે છે કે પછી જનતાને રસ્તા પર ઉતરવા મજબૂર થવું પડશે.

Back to top button
error: Content is protected !!