AHAVADANGGUJARAT

ડાંગના ઘોઘલી ખાતે શ્રી ધૂંધલીનાથ મહાદેવ મેળામાં હજારો ભાવિકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી ગામ ખાતે આવેલ વર્ષો જૂનું પૌરાણિક તથા આસ્થાનું કેન્દ્ર એવા સિદ્ધ શ્રી ધૂંધલીનાથ મહાદેવ ખાતે યોજાયેલા વાર્ષિક મેળામાં આ વર્ષે પણ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પાવન યાત્રામાં સમગ્ર ગુજરાત માંથી તથા ડાંગ જિલ્લાના આસપાસના ગામોમાંથી હજારો ભાવિકોએ શિવદર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ધૂંઘલીનાથ મહાદેવ સ્થળની સ્થાપનાની અલૌકિક ઘટના કે વર્ષ ૧૯૭૪માં બીલીમોરાના સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાનેદાદાને આ સ્થળે દૈવીક શક્તિનો અનુભવ થયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ જમીન ખોદતા અહીં જ્વાળારૂપે શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યારથી દર વર્ષે ભક્તો અહીં શિવપૂજન માટે ભેગા થાય છે.

આ વર્ષે પણ આ પાવન દિવસે બીલીમોરા સ્થિત નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂ. છોટેદાદાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે અહીં ભગવાન ધૂંઘલીનાથ મહાદેવ જ્યોતિ સ્વરૂપે શ્રી સાનેદાદા ના તપોબળ થી પ્રગટ થયા છે. ભાવિકોએ ભગવાન ધૂંધલીનાથ મહાદેવના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું તેમજ મહાપ્રસાદનો લાભ લીધો. નવનાથ ભક્ત મંડળ ટ્રસ્ટ આહવા અને સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા દર્શન વ્યવસ્થા, પાણી, પાર્કિંગ, સ્વચ્છતા તથા મહાપ્રસાદની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મેળો ભક્તિમય વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. ભાવિકોએ ભગવાન ધૂંધલીનાથ મહાદેવને અભિષેક, બિલીપત્ર, ફૂલ અને નાળિયેર અર્પણ કરી પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

ડાંગના કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું ધૂંધલીનાથ મહાદેવનું પવિત્ર ધામ આજે પણ સમગ્ર ગુજરાત સહિત પડોશી રાજ્યોના ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં દર્શન કરનાર દરેક ભાવિકને આધ્યાત્મિક શાંતિ અને શિવત્વનો સ્પર્શ અનુભવાય છે.

Back to top button
error: Content is protected !!