AHAVADANG

ડાંગ: પશુ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈ દ્વારા નફાકારક અને સ્વચ્છ દૂધ ઉત્પાદન વિષયક પશુપાલક ગોષ્ઠી અને નિદર્શન યોજાયું

વાત્સલયમ સમાચાર

    મદન વૈષ્ણવ

પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, વઘઈ  દ્વારા તથા આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામનાં સયુંકત ઉપક્રમે, વઘઈ તાલુકામાં પશુપાલકો માટે “નફાકારક અને સ્વચ્છ દૂધ ઉત્પાદન ” વિષયક પશુપાલક ગોષ્ઠી તેમજ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટિસ (આંચળનો સોજો) રોગ અંગે જાગૃતિ લાવવાનો તથા દૂધાળ પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન, માસ્ટાઇટિસ રોગના કારણો, તેના લક્ષણો, આર્થિક નુકસાન તેમજ તેના અસરકારક નિયંત્રણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડૉ. એસ. બી. કાપડી (પશુચિકિત્સા અધિકારી) દ્વારા પશુપાલકોને દૂધાળ પશુઓમાં આંચળના આરોગ્યનું મહત્વ સમજાવ્યું તેમજ સમયસર નિદાન અને સારવાર અંગે માહિતી આપી હતી. તદુપરાંત, પશુપાલકોને “ટીટ ડીપ કપ (Teat Dip Cup)” ના ઉપયોગ અંગે નિદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ દોહન પૂર્ણ થયા બાદ ટીટ ડીપિંગ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું અને આ સરળ તેમજ અસરકારક પ્રક્રિયા દ્વારા માસ્ટાઇટિસ જેવા આંચળના રોગના સંક્રમણને નોંધપાત્ર રીતે ઘટાડી સ્વચ્છ, અને ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ઉત્પાદન કેવી રીતે શક્ય બને છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

નિદર્શન દરમિયાન પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, વિવિધ પ્રશ્નો પૂછીને પોતાની શંકાઓનું સંતોષકારક નિરાકરણ મેળવ્યું તેમજ આ પદ્ધતિને પોતાના પશુપાલન વ્યવસાયમાં અપનાવવાની તૈયારી દર્શાવી હતી. કાર્યક્રમના અંતે પશુપાલકોમાં જાગૃતિ અને વૈજ્ઞાનિક પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે પશુપાલન વિષયક માહિતીપ્રદ સાહિત્ય તેમજ મિનરલ મિક્સચરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ડૉ. યુ. એસ. સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા, ડૉ. એમ. એમ. ઇસ્લામ (વડા, પી.વી.કે.) ના નેતૃત્વમાં તથા ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) અને ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આયોજિત આવી જાગૃતિ પ્રવૃત્તિઓ પશુપાલકોમાં વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓના પ્રસાર દ્વારા પશુ આરોગ્ય, દૂધ ઉત્પાદન અને આવકમાં વૃદ્ધિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

Back to top button
error: Content is protected !!