
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાંથી અપહરણ કરાયેલી સગીરાને રાજકોટ (ધોરાજી) થી સુરક્ષિત શોધી કાઢી, આરોપીની ધરપકડ કરાઇ
મેઘરજ ટાઉન વિસ્તારમાંથી અપહરણ કરાયેલી સગીરાને સુરક્ષિત શોધી કાઢી તેના વાલીવારસોને સુપરત કરવાની સરાહનીય કામગીરી મેઘરજ પોલીસે કરી છે. આ કેસમાં અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડી તેની સામે પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાધેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અપહરણના ગુનાઓમાં ગુમ થયેલા સગીરવયના બાળકો તેમજ ગુમ થયેલા સ્ત્રી-પુરુષોને શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજિસ્ટર નં.11188007260346/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2) હેઠળ નોંધાયેલા અપહરણના ગુનામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જમનાવડ રોડ પર આવેલી બાલાજી પોલી પ્લાસ્ટ કંપની નજીકથી ભોગ બનનાર સગીરાને સુરક્ષિત શોધી કાઢવામાં આવી હતી.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી રાકેશભાઈ બાબુભાઈ તરાળ (ઉંમર 20 વર્ષ), રહે. રમાડ, તા. મેઘરજ, જિ. અરવલ્લીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મેઘરજ પોલીસે ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે તેના વાલીવારસોને સુપરત કરી ઝડપી અને અસરકારક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે.





