GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સહિત ૨૧ જિલ્લાઓમાં ‘કપાસ ક્રાંતિ’ યોજના અમલમાં; ખેડૂતોને હેક્ટરદીઠ રૂ. ૧૪ હજાર સુધીની સહાય મળશે

તા.૧૩/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

‘કપાસ ક્રાંતિ યોજના’ અંતર્ગત સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર તા. ૧૦ જુલાઈ સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે

કપાસ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક પગલું: ખેડૂતો માટે રૂ. ૧૩૪.૮૦ કરોડની યોજના

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં કપાસની ઉત્પાદકતા વધારીને કુલ રાષ્ટ્રીય ઉત્પાદન વધારવાના લક્ષ્યાંક સાથે પાંચ વર્ષના સમયગાળા માટે “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ) યોજના તરીકે અમલમાં મૂકવામાં આવી છે.

રાજ્યમાં કપાસ હેઠળના વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતામાં વધારો કરવાના આશયથી ભારત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧૩૪.૮૦ કરોડની માતબર બજેટ જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં ૧.૦૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે.

આ યોજના હેઠળ ગુજરાતના કપાસનું વાવેતર કરતા કુલ ૨૧ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ તરફ વાળવા માટે નીચે મુજબના ઘટકો હેઠળ સહાય પૂરી પાડવામાં આવશે:

ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી નિદર્શન અંતર્ગત પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે, સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ (ICM) નિદર્શન અંતર્ગત પ્રતિ હેક્ટર રૂ. ૭,૫૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે. આ સાથે ખેડૂતોમાં ખેતી વિષયક ક્ષમતા અને કૌશલ્ય વધારવા વિશેષ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે વાવેતરના અંતરના આધારે નીચે મુજબના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર ૯૦ સેમી. X ૩૦ સેમી.ના અંતરે કરેલું હોય, તેવા ખેડૂત મિત્રોએ ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી નિદર્શન ઘટકનો લાભ મળશે. જ્યારે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ૯૦ સેમી. X ૬૦ સેમી.ના અંતરે કરેલું હોય, તેઓએ સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિ ઘટકનો લાભ મેળવવા પાત્ર રહેશે.

લાભાર્થી ખેડૂતોએ ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. આ માટે i-ખેડૂત પોર્ટલ (i-Khedut Portal) તા. ૧૦ જુલાઈ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

કપાસના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવવાના સરકારશ્રીના આ ભગીરથ પ્રયાસમાં જોડાવવા અને “સૌનો સાથ થકી સૌનો વિકાસ” ના મંત્રને સાર્થક કરવા રાજકોટ જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા કપાસ ઉત્પાદક ખેડૂત મિત્રોને વહેલી તકે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી આ યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!