Rajkot: રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે જાહેરનામું

તા.૧૩/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મૂર્તિ ૦૯ ફૂટ કરતાં વધારે ઊંચાઈની ન હોવી જોઈએ : સી.સી.ટી.વી. અને અગ્નિશામક લગાવવા ફરજિયાત
Rajkot: રાજકોટ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા. ૧૪/૦૯/૨૦૨૬ના રોજ શ્રી ગણેશજીની સ્થાપના થનારી છે. સામાન્ય રીતે, સ્થાપના બાદ ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે, નવમા દિવસે અને મોટાભાગે અગિયારમા દિવસે એટલે કે તા. ૨૪/૦૯/૨૦૨૬ના રોજ શ્રી ગણેશજીની મૂર્તિઓને નદી કે તળાવમાં પધરાવીને વિસર્જન કરવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી ન દુભાય તેમજ રોગચાળો અને પ્રદૂષણ ન ફેલાય, તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ ગણેશ સ્થાપના અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
પ્રતિબંધિત કૃત્યો:
(૧) ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવા, વેચવા કે તેની સ્થાપના કરવા પર પ્રતિબંધ છે.
(૨) શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ૦૯ ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવાની મનાઈ છે.
(૩) નક્કી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલી મંજૂરીમાં દર્શાવેલા સ્થળ સિવાય અન્ય દરિયા, નદી, તળાવ, કુદરતી જળસ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ રહેશે.
(૪) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા મૂર્તિઓ જે જગ્યાએ વેચાણ માટે રાખે છે તે જગ્યાની નજીક તથા આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા પર પ્રતિબંધ રહેશે તેમજ મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં.
(૫) મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા પર પ્રતિબંધ રહેશે.
(૬) કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા તેમજ સ્થાપના કરવાની મનાઈ છે.
(૭) સ્થાપના/વિસર્જન સરઘસ યોજવાની પરમિટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા પર પ્રતિબંધ રહેશે.
(૮) સી.સી.ટી.વી. અને ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન થઈ શકશે નહીં.
આ જાહેરનામું તા. ૧૮/૦૭/૨૦૨૬થી તા. ૧૫/૦૯/૨૦૨૬ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


