GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “૧૫ જુલાઈ : વિશ્વ યુવા કૌશલ્ય દિવસ” રાજકોટ જિલ્લામાં ૧૩ હજારથી વધુ યુવાનો પાસે એમ્પ્લોયમેન્ટ કાર્ડ

તા.૧૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

છ માસ દરમિયાન ૧૦ હજાર યુવાનો ખાનગી નોકરી માટે પ્રથમ પસંદગી પામ્યા

કૌશલમ્ બલમ્ : આઈ.ટી.આઈ., કૌશલ્ય યુનિવર્સિટી થકી ‘જોબ સીકર્સ’ ટુ ‘જોબ ક્રિએટર્સ’ બનવા તરફ આગળ વધતા યુવાનો

Rajkot: ૧૫ જુલાઈ એટલે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’. આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં યુવાનો આર્થિક અને સામાજિક રીતે પગભર બને, તે માટે કૌશલ્ય કેળવવું જરૂરી છે. ગુજરાત સરકાર યુવાનોના કૌશલ્યવર્ધન અને રોજગારી ક્ષેત્રે સતત કાર્યશીલ છે. ‘કૌશલમ્ બલમ્’ અર્થાત કૌશલ્ય જ સાચું બળ છે, તે સૂત્રને સાર્થક કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને તેમનામાં છુપાયેલી કુશળતાને યોગ્ય મંચ પૂરો પાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે રાજકોટ જિલ્લાની રોજગાર કચેરી સ્થાનિક યુવાનો માટે આશીર્વાદરૂપ બની છે. ઇન્ચાર્જ નાયબ નિયામક (રોજગાર) શ્રી ચેતનાબેન મારડીયાના માર્ગદર્શન હેઠળ રોજગાર કચેરી ખાતે અંદાજે ૧૩ હજારથી વધુ યુવાનો નોંધાયેલા છે, જેમની પાસે સરકાર દ્વારા અપાયેલું એમ્પ્લોયમેન્ટ કાર્ડ છે. ઉલ્લેખનીય છે કે, એમ્પ્લોયમેન્ટ કાર્ડ ધરાવતા યુવાનોને ખાનગી નોકરી, વિવિધ ભરતીમેળાઓ અને માર્ગદર્શન શિબિરોની જાણકારી આપવામાં આવે છે.

યુવાનોને રોજગારી પૂરી પાડવાના હેતુસર સમયાંતરે વિવિધ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા રોજગાર મેળાઓમાં રાજકોટ જિલ્લાના આશરે ૧૦ હજાર જેટલા યુવાનો વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી માટે પ્રથમ પસંદગી પામ્યા છે. આ સફળતા દર્શાવે છે કે, યોગ્ય પ્લેટફોર્મ અને સાચી તક મળતાંની સાથે જ રાજકોટના યુવાનો પોતાની યોગ્યતા પુરવાર કરીને સ્વનિર્ભરતા તરફ કદમ વધારી રહ્યા છે.

વર્તમાન સમયમાં ડિગ્રીની સાથે વ્યવસાયિક કૌશલ્ય હોવું પણ આવશ્યક છે. આઈ.ટી.આઈ., ‘કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટી’ જેવા પ્રકલ્પો ઉપરાંત સરકારી યોજનાઓ અને તાલીમ કાર્યક્રમો થકી યુવાનોને માર્કેટ ડિમાન્ડ મુજબ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના આવા સઘન અને સકારાત્મક પ્રયાસોથી યુવાનો માત્ર નોકરી શોધનારા (Job Seekers) ન રહેતાં, નોકરી આપનારા (Job Creators) બનવા તરફ પણ આગળ વધી રહ્યા છે, જે વિકસિત ભારતના નિર્માણમાં મદદરૂપ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!