MORBI:મોરબી નામની ભૂલનું બહાનું કાઢી વીમો નકારવો SBI લાઇફને ભારે પડ્યો; ગ્રાહક અદાલતે વ્યાજ સાથે ચૂકવણી કરવા કર્યો હુકમ

MORBI:મોરબી નામની ભૂલનું બહાનું કાઢી વીમો નકારવો SBI લાઇફને ભારે પડ્યો; ગ્રાહક અદાલતે વ્યાજ સાથે ચૂકવણી કરવા કર્યો હુકમ
ગ્રાહકોના હિત અને હક્ક માટે સતત લડત આપતા મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને વધુ એક મોટી સફળતા મળી છે. ટંકારા તાલુકાના એક મહિલા ગ્રાહકને વીમા કંપની દ્વારા સામાન્ય કારણોસર વીમો નકારવામાં આવતા, મંડળના પ્રમુખ દ્વારા ગ્રાહક અદાલતમાં કાનૂની લડત આપવામાં આવી હતી. જેના પરિણામે અદાલતે વીમા કંપનીને વ્યાજ અને ખર્ચ સહિતની રકમ ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.
ટંકારા તાલુકાના રાજાવડ ગામના વતની જશીબેન રમેશભાઈ બાલાસરાના પતિ રમેશભાઈનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક અવસાન થયું હતું. રમેશભાઈએ એસ.બી.આઈ. લાઇફ ઇન્સ્યોરન્સ (SBI Life Insurance) અંતર્ગત ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ લીધેલી હતી. પતિના અવસાન બાદ નિયમ મુજબ જશીબેનને રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની વીમા રકમ મળવાપાત્ર થતી હતી.
જો કે, વીમા કંપનીએ ‘જશીબેન’ અને ‘જ્યોત્સનાબેન’ નામના સામાન્ય તફાવતનું ટેકનિકલ બહાનું ધરીને વીમાની રકમ ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
અન્યાયનો ભોગ બનેલા જશીબેને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં વીમા કંપની સામે મજબૂત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, નામદાર ગ્રાહક કોર્ટે ગ્રાહકના પક્ષમાં ચુકાદો આપતા એસ.બી.આઈ. લાઇફ ઇન્સ્યોરન્સને નીચે મુજબની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે:
વીમાની મુખ્ય રકમ: રૂ. ૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પુરા)વ્યાજ દર: તા. ૦૯/૦૧/૨૦૨૬ થી ૯% (નવ ટકા) ના વ્યાજ સાથે ચૂકવણી કરવી.કોર્ટ ખર્ચ: રૂ. ૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) અલગથી ચૂકવવા.”ગ્રાહકને કોઈપણ પ્રકારનો અન્યાય થાય તો પોતાના હિત અને હક્ક માટે હંમેશા નીડરતાથી લડવું જોઈએ.” – મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ
કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંપર્ક કરો:જો તમારી સાથે પણ કોઈ ખરીદી, વીમા ક્લેઈમ કે સેવામાં અન્યાય કે છેતરપિંડી થઈ હોય, તો ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારોનો સંપર્ક કરી શકો છો: લાલજીભાઈ મહેતા (પ્રમુખ) – મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ – રામભાઈ મહેતા (મંત્રી) – મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮ – બળવંતભાઇ ભટ્ટ (ઉપપ્રમુખ) – મો. ૯૩૨૭૪ ૯૯૧૮૫ – હિતેશભાઇ મહેતા (ઉપપ્રમુખ) – મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬








