JAMNAGAR:જામનગર જિલ્લામાં પાક બચાવવા ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાના નીર આપવા AAP પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

JAMNAGAR:જામનગર જિલ્લામાં પાક બચાવવા ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાના નીર આપવા AAP પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ કરેલું વાવેતર હવે વરસાદના અભાવે મુરઝાઈ રહ્યું છે. ઊભા પાકને બચાવવા માટે જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ડેમો અને ચેકડેમોને ‘સૌની યોજના’ મારફતે નર્મદાના પાણીથી ભરી દેવા માંગ કરાઈ છે.
મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જામનગર જિલ્લાના જોડિયા, ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકાના હજારો ખેડૂતોએ ચોમાસા પૂર્વે વાવેતર કરી દીધું હતું. જો કે, હવે વરસાદ ખેંચાતા પાકને જીવતદાન આપવા માટે તાકીદે સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે.
જિલ્લાના મુખ્ય જળાશયો હાલ પાણી વિના ખાલીખમ ભાસી રહ્યા છે. ખેડૂતોના હિતમાં ‘સૌની યોજના’ની લિંક-૧ અને લિંક-૩ કાર્યરત કરીને નીચેના ડેમોમાં તાત્કાલિક નર્મદાના નીર ઠલવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે:
ઊંડ-૧, ઊંડ-૨, ઊંડ-૩ અને ઊંડ-૪ ,આજી-૩ અને આજી-૪ ,સાપડા ડેમ, કંકાવટી, સસોય,રણજીત સાગર, રંગમતી, વીજરખી અને વોડીસંગ ડેમ ,ખેડૂતોની આજીવિકાનો સવાલ: જિલ્લા આપ પ્રમુખ વશરામભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, જો સરકાર દ્વારા સમયસર ડેમો અને નાના-મોટા ચેકડેમોમાં નર્મદાના પાણી છોડવામાં નહીં આવે, તો ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. તેથી વહીવટી તંત્ર આ બાબતે તાકીદે યોગ્ય પગલાં ભરે તે જરૂરી છે.






