થરાદમાં જગન્નાથજીની રથયાત્રાનો ભક્તિસાગર: ઠાકોર સમાજે રૂ. 85 હજારનું ભવ્ય મામેરું અર્પણ કર્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ: અષાઢી બીજના પાવન અવસરે થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૩૬મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ હતી. રથયાત્રા અંતર્ગત થરાદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીને રૂ. 85 હજારનું ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે હજારો ભક્તો, સમાજના આગેવાનો તથા રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મામાના ઘરેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નાસિક ઢોલ, શરણાઈ અને વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે નવા રામજી મંદિર ખાતે પરત પધાર્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તોએ જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રભુનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, થરાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરાજી ઠાકોર, ઠાકોર સમાજ મંડળના પ્રમુખ અનાજી વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડી.ડી. રાજપૂત, શૈલેષભાઈ પટેલ, ઉમેદદાન ગઢવી સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન જગન્નાથજી પોતાના નિવાસસ્થાન નવા રામજી મંદિર ખાતે પરત ફર્યા ત્યારે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ, સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તોના જયઘોષ અને ઢોલ-નગારાના નાદ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
આ વર્ષે ઠાકોર સમાજ દ્વારા શ્રદ્ધા, આસ્થા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભગવાન જગન્નાથજીનું રૂ. 85 હજારનું મામેરું ભરવામાં આવ્યું હતું, જેને ભક્તો અને સમાજજનોએ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે બિરદાવી હતી.
………………………………………
બોક્સ : સાંસદ ગેનીબેન ઠાકોરે સારા વરસાદ માટે કરી પ્રાર્થના
અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને મામેરાના દર્શનનું ગુજરાતમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ મંગલ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે ભગવાન જગન્નાથજી સમક્ષ સમગ્ર વાવ-થરાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની કૃપા વરસે, સારો અને સમયસર વરસાદ થાય તેમજ ખેડૂતોના ખેતરો લીલાછમ બને તેવી પ્રાર્થના કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે અષાઢી બીજ ચોમાસાની વિધિવત શરૂઆતનું પ્રતિક છે અને ખેડૂતોના જીવનમાં નવા આશાવાદનો સંદેશ લાવે છે. ભગવાન જગન્નાથજી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે તેમજ આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ વરસાવી અન્નદાતાના જીવનમાં ખુશીઓ ભરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી




