GANDHINAGAR મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરશે ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા, 65મા જન્મદિવસે કર્યો વિશેષ સંકલ્પ

GANDHINAGAR મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવ મંદિરમાં કરશે ‘સ્વાભિમાન પર્વ’ વિશેષ મહાપૂજા, 65મા જન્મદિવસે કર્યો વિશેષ સંકલ્પ
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિશેષ મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
સોમનાથમાં તમે ભારતની અપરાજિત ભાવનાનો અનુભવ કરશો, જેણે દરેક આંચકા છતાં પોતાની ઓળખ અને સંસ્કૃતિને અકબંધ રાખી છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 15 જુલાઈ, 2026:* ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના 65મા જન્મદિવસના અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને એક વિશેષ સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વિશેષ મહાપૂજા માટે નોંધણી કરાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, _”આજે જન્મદિવસ પર પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કરી મહાપૂજામાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મંદિર ટ્રસ્ટના પૂજારીશ્રીઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવનો રૂદ્રાભિષેક અને વિશેષ પૂજન સંપન્ન કરવામાં આવ્યા, તે ક્ષણો ખૂબ આસ્થામય બની રહી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ ખાતે લોન્ચ કરેલ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આ મહાપૂજા માટે સોમનાથ મંદિરે વ્યક્તિગત જઈને મહાદેવના દર્શનની મારી નેમ છે.”_
શું છે ‘સ્વાભિમાન પર્વ’? આ વર્ષ સોમનાથ મંદિરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. સને ૧૦૨૬માં મંદિર પર થયેલા ભીષણ આક્રમણના ૧૦૦૦ વર્ષ અને ૧૯૫૧માં થયેલી મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ સાહસિક ગાથાને જીવંત રાખવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘મિલેનિયલ યજમાન’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત સોમનાથ પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરવામાં આવી છે.
સોમનાથમાં તમે ભારતની અપરાજિત ભાવનાનો અનુભવ કરશો, જેણે દરેક આંચકા છતાં પોતાની ઓળખ અને સંસ્કૃતિને અકબંધ રાખી છે: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
વડાપ્રધાનશ્રીએ કહ્યું છે, _“હું મારા બધા દેશવાસીઓને આ શુભ પ્રસંગે પવિત્ર સોમનાથ ધામની મુલાકાત લેવા અને તેની ભવ્યતા જોવા વિનંતી કરું છું. જેમ જેમ તમે સોમનાથના કિનારે ઉભા રહેશો તેમ તેમ તમે તેના પ્રાચીન પડઘા તમારી અંદર અનુભવશો. ત્યાં તમે માત્ર ભક્તિ જ નહીં પરંતુ એક સભ્યતાની ચેતનાના શક્તિશાળી ધબકારાને પણ અનુભવશો જે ક્યારેય બંધ થઈ નથી. જેની તીવ્રતા ક્યારેય ઓછી થઈ નથી. ત્યાં તમે ભારતની અપરાજિત ભાવનાનો અનુભવ કરશો, જેણે દરેક આંચકા છતાં પોતાની ઓળખ અને સંસ્કૃતિને અકબંધ રાખી છે. તમે સમજી શકશો કે આટલા પ્રયત્નો છતાં આપણી સભ્યતા કેમ નાશ પામી નથી. ત્યાં તમે શાશ્વત વિજયના દર્શનનો અનુભવ કરશો જે સદીઓથી ભારતની તાકાત રહી છે. મને વિશ્વાસ છે કે આ તમારા માટે એક અવિસ્મરણીય અનુભવ હશે.”_
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા’નું ભવ્ય આયોજન
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત ‘વિશેષ મહાપૂજા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજા શ્રદ્ધાળુઓ માટે આખો દિવસ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં પસાર કરવાનો એક અદભુત અવસર પૂરો પાડે છે. અતૂટ આસ્થાની આ ગૌરવ ગાથામાં ભક્તો સવારથી લઈને સાંજ સુધી વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકશે
પૂજા અને દર્શનનો દિવસભરનો કાર્યક્રમ:મહાદેવના સાનિધ્યમાં પસાર થનારા આ દિવસની શરૂઆત સવારના પવિત્ર વાતાવરણમાં થાય છે:
સંકલ્પ અને ધ્વજા પૂજા:* સવારે ૦૮:૦૦ વાગ્યે પૂજાના પ્રધાન સંકલ્પ સાથે દિવસની શરૂઆત થાય છે. ત્યારબાદ ૦૮:૧૦ થી ૦૮:૩૦ સુધી ધ્વજા પૂજા કરવામાં આવે છે.
પરિક્રમા અને અભિષેક:સવારે ૦૮:૩૫ થી ૦૮:૫૦ સુધી ઢોલ અને શરણાઈના નાદ સાથે ધ્વજા પરિક્રમા યોજાય છે. મહાદેવને દુગ્ધ, ધાન્ય અને ગંગાજળથી વિશેષ અભિષેક પણ કરવામાં આવે છે.
શૃંગાર અને અર્પણ:* પૂજારીજી દ્વારા મહાદેવને ધોતી, ઉપવસ્ત્ર, રુદ્રાક્ષની માળા, જનોઈ તેમજ માતા પાર્વતીને સાડી અને અખંડ શૃંગાર અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનને ૧૦૦૮ બિલ્વપત્ર પણ ચડાવવામાં આવે છે.
ગૌ પૂજન અને મહામૃત્યુંજય જાપ:* સવારે ૦૯:૫૦ થી ૧૦:૦૦ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળા ખાતે નંદી/ગૌ પૂજન અને સેવક પૂજન કરવામાં આવે છે. આ પૂજામાં બ્રાહ્મણો દ્વારા ૧૦૦૦ મહામૃત્યુંજય મંત્રના જાપનું પણ આયોજન છે.
રાજભોગ અને બ્રાહ્મણ ભોજન:* બપોરે ૧૧:૪૫ કલાકે ભક્તો રાજભોગ થાળના દર્શન કરી શકે છે. ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે શ્રી અહલ્યાબાઈ મંદિર ભોજનશાળામાં બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે.
દીપમાળા દર્શન: દિવસના અંતિમ ચરણમાં, સાંજની આરતી પૂર્વે ૦૬:૧૫ થી ૦૮:૦૦ વાગ્યા સુધી ભક્તોને દીપમાળા દર્શનનો અદભુત લ્હાવો મળે છે.
યજમાનો માટે વિશેષ સન્માન અને સુવિધાઓ: આ મહાપૂજાના સમયે યજમાનની છડી પુકારવામાં આવશે અને ચાંદીના અલગ-અલગ થાળમાં વસ્ત્ર, નૈવેદ્ય, પવિત્ર અભિષેક દ્રવ્ય અને ધ્વજાજીને અલંકૃત કરી સભામંડપમાં વિશેષ પૂજા કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા યજમાન પરિવારને સાગર દર્શનમાં ૦૨ રૂમ, ચા, નાસ્તો અને ભોજનની સગવડ પૂરી પાડવામાં આવે છે. પૂજા માટે યજમાનને ધોતી અને ઉપવસ્ત્ર પણ આપવામાં આવે છે.
જો કોઈ યજમાન રૂબરૂ ન આવી શકે, તો ટ્રસ્ટ દ્વારા તેમના મોબાઈલ પર ઓનલાઈન લિંક મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરે બેઠા પૂજામાં જોડાઈ શકે. વેરાવળ સ્ટેશન પર સવારે ૦૬ થી ૦૭ વાગ્યા વચ્ચે આવતી બે ટ્રેનોના યજમાનો માટે સોમનાથ પહોંચવા ફ્રી ટ્રાન્સપોર્ટની સુવિધા પણ ગોઠવવામાં આવી છે.રજીસ્ટ્રેશન માટેની માહિતી:આ પવિત્ર મહાપૂજામાં ભાગ લેવા ઈચ્છતા ભક્તો ઓનલાઈન somnath.org પર જઈને નોંધણી કરાવી શકે છે.








