
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. બોટિંગ, એડવેન્ચર પ્રવૃત્તિઓ, પાર્કિંગ અને ટોલ સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી કરોડો રૂપિયાની આવક થતી હોવા છતાં પ્રવાસીઓની સુરક્ષાના મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
સાપુતારાથી શામગહાન સુધીના ઘાટમાર્ગ પર રસ્તાની બાજુમાં ગમે ત્યારે તૂટી પડે એવા વિશાળ પથ્થરો અને જોખમી વૃક્ષો લટકી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોમાસામાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ વચ્ચે આ જોખમ અનેકગણું વધી જાય છે. ઘણી વખત પથ્થરો રસ્તા પર ધસી પડતા વાહનચાલકો અને પ્રવાસીઓના જીવ પર સતત સંકટ મંડરાતું રહે છે.
સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પ્રવાસનમાંથી કરોડોની આવક મેળવનાર તંત્ર સુરક્ષાના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કેમ નિષ્ફળ રહ્યું છે? લોકોનો આક્ષેપ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે જોખમી પથ્થરો અને વૃક્ષો તાત્કાલિક દૂર કરવા, ઘાટમાર્ગનું પહોળીકરણ કરવા તેમજ ચોમાસા દરમિયાન સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.
સ્થાનિકો અને પ્રવાસીઓએ તંત્રને કાગળ પરના વિકાસના દાવા છોડીને વાસ્તવિક પરિસ્થિતિનું ગંભીરતાથી મૂલ્યાંકન કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈપણ ક્ષણે મોટી જાનહાનિ સર્જાઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.




