SINORVADODARA

શિનોરના અચીસરા ગામે ચાંદલાના રૂપિયા મુદ્દે પારિવારિક ઝઘડો હિંસક બન્યો, ચાર મહિનાની ગર્ભવતી મહિલાને ઈજા


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામમાં બહેનના લગ્ન દરમિયાન આવેલા ચાંદલાના અંદાજે બે લાખ રૂપિયાના ભાગને લઈને પારિવારિક તકરાર હિંસક બની હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ચાર મહિનાની ગર્ભવતી મહિલાને ઈજા પહોંચતા તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે શિનોર પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ અચીસરા ગામના અને હાલ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે રહેતા પરિણીત દંપતી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા પોતાના વતન આવ્યા હતા. કામ પૂર્ણ કરીને તેઓ પાલેજ પરત જવા નીકળ્યા ત્યારે કાકા સલીમશા દિવાને બહેનના લગ્ન સમયે આવેલા અંદાજે બે લાખ રૂપિયાના ચાંદલામાંથી પોતાનો ભાગ માંગ્યો હતો.
દંપતીએ ચાંદલાની રકમ લગ્ન થયેલી બહેનના ખાતામાં જમા હોવાનું જણાવતાં બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ સાધલી એ.પી.એમ.સી. નજીક સલીમશા દિવાનના પુત્રો સાહિલશા દિવાન, મુબારકશા દિવાન તથા અન્ય એક વ્યક્તિએ દંપતી પર હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન મહિલાને માર મારવામાં આવ્યો હતો અને લોખંડની વસ્તુ સાથે અથડાવાતા તેને ઈજા પહોંચી હતી.
મહિલા ચાર મહિનાની ગર્ભવતી હોવાથી પેટમાં દુખાવો ઉપડતાં તેને તાત્કાલિક વડોદરાની મોટા ફોફળિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે શિનોર પોલીસે સલીમશા દિવાન, સાહિલશા દિવાન, મુબારકશા દિવાન અને સીમરનબાનુ સાહિલશા દિવાન સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે કેસની વધુ તપાસ ચાલુ છે.

Back to top button
error: Content is protected !!