
વિજાપુરમાં ડેન્ગ્યુ-મેલેરિયા સામે આરોગ્ય વિભાગની લાલ આંખ
મચ્છરના લાર્વા મળતા દંડની કાર્યવાહી શરૂ; ભંગારની દુકાનો, ટાયર પંચર અને બાંધકામ સાઇટો પર સઘન ચેકિંગ, ત્રણ દિવસ ચાલશે ડ્રાઇવ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગે વિજાપુર શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા મેલેરિયા શાખા, અને તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરીની ટીમોએ શહેરમાં મચ્છરના પ્રજનન સ્થળો શોધી તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરી છે.
આરોગ્ય વિભાગની ટીમોએ શહેરમાં ભંગારના વેપારીઓ, ટાયર પંચરની દુકાનો તેમજ વિવિધ બાંધકામ સાઇટો પર પહોંચીને પાણી ભરાયેલા વાસણો, જૂના ટાયર અને અન્ય સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થળોની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન જ્યાં મચ્છરના લાર્વા મળી આવ્યા ત્યાં સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ‘ગુજરાત વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ રેગ્યુલેશન-2017’ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને નોટિસ ફટકારી રૂ. 1,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે મચ્છરના પ્રજનન માટે જવાબદાર સ્થળો મળી આવશે તો આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેર અને તાલુકામાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આ વિશેષ ઝુંબેશ ત્રણ દિવસ સુધી સતત ચાલુ રહેશે. નાગરિકોને પોતાના ઘર, દુકાન અને વ્યવસાયિક સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.





