
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સીમળી ગામમાં 7 ફૂટ લાંબો મહાકાય અજગર અચાનક દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ફફળાટ અને દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ભરતભાઈ મોરેને કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રસ્ટના વોલેન્ટિયરો સંજય ખત્રી અને અનિલ તડવીએ રાત્રિના અંધારામાં ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
વન્યજીવ પ્રેમીઓએ સાવચેતીપૂર્વક કામગીરી કરીને 7 ફૂટ લાંબા મહાકાય અજગરને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ અજગરને માનવ વસાહતથી દૂર સુરક્ષિત અને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
અજગરનું સફળ રેસ્ક્યુ થતાં સીમળી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે કોઈપણ વન્યજીવ દેખાય તો તેને નુકસાન પહોંચાડવાને બદલે તાત્કાલિક વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવી.




