મહીસાગર જિલ્લામાં કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ‘પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા’ (SPCA) અંગેની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લામાં કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ‘પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા’ (SPCA) અંગેની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ
રિપોર્ટર… અમીન કોઠારી.. મહીસાગર
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને ‘સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ’ (SPCA) ની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના પશુઓની સુરક્ષા, કલ્યાણ અને તેમના પ્રત્યે થતી ક્રૂરતા અટકાવવા માટે વિવિધ અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન મહીસાગર જિલ્લામાં SPCA માટે રાજ્ય કક્ષાએથી જમીનની ફાળવણી કરવા તેમજ બિનવારસી પશુઓના નિભાવ માટે એનિમલ શેલ્ટરની વ્યવસ્થા ઉભી કરવા બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાણી ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦ અને પશુ પરિવહન નિયમોનું સ્થાનિક કક્ષાએ ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિઓમાં પોલીસ દ્વારા પકડાયેલા પશુઓના નિભાવ માટે ગ્રાન્ટની માંગણી અને ઈન્ફર્મરી ખાતે સહાય ચૂકવવા તેમજ ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા જાહેરનામાની પોલીસ દ્વારા કડક અમલવારી કરવા અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વધુમાં, કરુણા એનિમલ એમ્બ્યુલન્સની કામગીરીની સમીક્ષા સાથે DMF ફંડમાંથી મંજૂર થયેલ નવી એમ્બ્યુલન્સના લોકાર્પણ અને નગરપાલિકા વિસ્તારોમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એનિમલ બ્રીડિંગ સેન્ટર (ABC) ની સ્થાપના કરવા અંગે કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિકારીઓ, SPCA ના અન્ય સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં, કલેક્ટરે પશુ કલ્યાણની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહીને સક્રિય કામગીરી કરવા સૂચન કર્યું હતું.



