બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ*

બોરસદ તાલુકામાં રૂપીયા ૧.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ
તાહિર મેમણ – આણંદ – 17/06/2026 – આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આઈ.સી.ડી.એસ.(ICDS) ઘટક-૨ અને ઘટક-૩ માં જી.એસ.પી.સી.(GSPC) યોજના હેઠળ નવનિર્મિત ૭ અત્યાધુનિક આંગણવાડી કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના માનનીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે સાત આંગણવાડીઓનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતું.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ.ઘટક-૨ હેઠળ સમાવિષ્ટ કણભા ગામના ‘મેલડી માતા વિસ્તાર’ અને ‘વણકરવાસ’ ખાતે તથા વિરસદ ગામના ‘વાટા વિસ્તાર’ ખાતે સવારે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો ખુલ્લા મુકાયા હતા. એજ રીતે આઈ.સી.ડી.એસ. ઘટક-૩ અંતર્ગત હરખાપુરા ગામના ‘ગામ વિસ્તાર’ અને ‘સરપંચનો કુવો’ વિસ્તારમાં તેમજ પીપળી ગામના ‘ઇન્દિરા આવાસ’ વિસ્તાર અને ત્યારબાદ કિંખલોડ ગામના ‘વણકરવાસ’ વિસ્તારમાં નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું મંત્રીશ્રી દ્વારા રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત બોરસદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ રૂપીયા ૧,૪૮,૦૫,૦૦૦ (રૂપિયા એક કરોડ અડતાલીસ લાખ પાંચ હજાર) ના ખર્ચે તૈયાર થયેલ ભવ્ય અને સુવિધાસજ્જ સાત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પ્રત્યેક આંગણવાડી દીઠ રૂપીયા ૨૧.૧૫ લાખ લેખે તૈયાર કરાયેલ આંગણવાડી કેંદ્રો આ વિસ્તારના બાળકોની સેવામાં સમર્પિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ સમિતિના ચેરમેનશ્રી વીણાબેન, અગ્રણી શ્રી સોનલબેન,શ્રી અશોકભાઈ મહિડા, સીડીપીઓશ્રી માલતીબેન અને શ્રી દીનાબેન સહિત આંગણવાડી કાર્યકર બહેનો અને ભૂલકાઓ તેમના વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા





