Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

તા.૧૭/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભક્તિનગર સ્ટેશનનું લોકાર્પણ તથા તક્તી અનાવરણ સંપન્ન
ભક્તિનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થતા પ્રવાસીઓની યાત્રા વધુ સુખદ, આરામદાયક અને સુરક્ષિત બનશે
વર્ષ ૨૦૧૪ પછી સમગ્ર દેશમાં રેલવે સહિતના ક્ષેત્રોની દશા અને દિશા બદલવાનો સકારાત્મક પ્રારંભ થયો છે : મંત્રીશ્રી
વિકસિત રેલવે વિષયક સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજ રોજ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ૨૦ રાજ્યોમાં આવેલા ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજકોટ શહેરમાં રૂ. ૨૬.૮૦ કરોડના ખર્ચે પુનઃ વિકસિત ભક્તિનગર સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ભક્તિનગર સ્ટેશનનું લોકાર્પણ તથા તક્તી અનાવરણ કરાયું હતું.
આ અવસરે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, “ઐતિહાસિક રેલવે સ્ટેશનો પૈકી એક એવા ભક્તિનગર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થતા પ્રવાસીઓની યાત્રા વધુ સુખદ, આરામદાયક અને સુરક્ષિત બની શકશે, જે રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. વર્ષ ૨૦૧૪ પછી સમગ્ર દેશમાં રેલવે સહિતના ક્ષેત્રોની દશા અને દિશા બદલવાનો સકારાત્મક પ્રારંભ થયો છે, જેનાથી દેશના વિકાસને ગતિ મળી છે. આજે ટેક્નોલોજીના ઉપયોગને કારણે અનેક નવી અત્યાધુનિક ટ્રેનો દોડવાની શરૂઆત થઈ છે અને મુસાફરોની સગવડોમાં પણ વધારો થયો છે. ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં આપણું રાજ્ય અવિરત પ્રગતિ કરી રહ્યું છે.” મંત્રીશ્રીએ આગામી સમયમાં આપણો દેશ અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે, તેમ જણાવી ૨૦૪૭માં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે દરેક નાગરિકને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મેયર શ્રી નેહલભાઈ શુક્લે કહ્યું હતું કે, “આજે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બની રહ્યા છે, ત્યારે સ્ટેશનની સુંદરતાને જાળવી રાખવા માટે આપણે એક નાનો પણ મક્કમ સંકલ્પ લેવો જોઈએ – સ્ટેશન કે જાહેરમાં ક્યાંય પણ કચરો ન ફેંકવો. કાગળની ચિઠ્ઠી હોય કે વેસ્ટ રેપર, તેને કચરાપેટી કે ખિસ્સા કે બેગમાં રાખીએ, પણ જાહેરમાં ન નાખીએ. ત્યારે આપણા રાજકોટને હજી વધુ વિકસિત બનાવવા અને સમગ્ર ગુજરાત વિશ્વકક્ષાએ એક ડેવલપ સ્ટેટ તરીકે ઉભરી આવે, તે માટે સ્વચ્છતાના સંકલ્પને વધાવીએ.”
ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, “આજે આપણા દેશમાં રેલવે ક્ષેત્રે અનોખો વિકાસ અને વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે. વર્ષ ૨૦૧૪માં શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે શોભાયમાન થયા, ત્યારથી રેલવે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશને વંદે ભારત, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવી અત્યંત આધુનિક ટ્રેનો, વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા સ્ટેશનો મળ્યા છે. ત્યારે એવું કહી શકાય કે સાચો વિકાસ એ જ છે, જેનો સીધો લાભ સામાન્ય લોકોને મળે છે.”
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, “આજે દેશભરના ૭૫થી વધુ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે વિકસિત ભારતના રોડમેપને સાકાર કરે છે. વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસ માટે આધુનિક સુવિધાઓ આપીને રેલવે ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો એ આજના સમયની માંગ છે ત્યારે આપણે સૌએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. રેલવેની મુસાફરી આર્થિક રીતે ફાયદાકારક હોવાની સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સહભાગી બનીએ.”
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડી.આર.એમ. શ્રી ગિરિરાજકુમાર મીનાએ શાબ્દિક સ્વાગત અને જનસંપર્ક નિરીક્ષક શ્રી વિવેકભાઈ તિવારીએ સંચાલન કર્યું હતું. યુવાનોએ ગણેશ સ્તુતિ નૃત્ય, રાસ, હર હર ગંગે ગીત પ્રસ્તુત કર્યા હતાં. આ કાર્યક્રમના અનુસંધાને ગત તા. ૧૨થી તા. ૧૫ દરમિયાન આયોજિત વિકસિત રેલવે વિષયક ચિત્ર, નિબંધ અને સેલ્ફી સ્પર્ધાઓમાં ભાગ લેનારી દરેક શાળાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતાં. આ પ્રસંગે ઉપસ્થિતોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમ તથા અમૃત ભારત સ્ટેશન યોજનાની શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
આ તકે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલકુમાર મીના, પી.આર.ઓ. શ્રી હેમરાજ મીના, ચીફ કોમર્શિયલ મેનેજર (યાત્રી સેવા) શ્રી સ્વપ્નિલ વાલીંજકર, શ્રી માધવભાઈ દવે સહિત અગ્રણીઓ, રેલ્વે સ્ટાફ અને મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં.








