GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ માર્ગદર્શિકા

તા.૨૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – કેતન સારેસા.

મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાની સંભાવના સામે બાળકોની કાળજી અને આસપાસ સ્વચ્છતા જરૂરી

Rajkot: અસહ્ય તાપ પછી પડતો વરસાદ સમગ્ર જીવસૃષ્ટિમાં નવજીવન અને તાજગી પૂરે છે. પરંતુ, આ મનોહર ચોમાસાની ઋતુ પોતાની સાથે ગંભીર બીમારીઓ, માર્ગ અકસ્માતો અને પૂર જેવી કુદરતી આફતોનું જોખમ પણ લાવે છે. જો થોડી સાવચેતી અને જાગૃતિ રાખવામાં આવે, તો આપણે આ તમામ મુશ્કેલીઓથી સરળતાથી બચી શકીએ છીએ. ચોમાસા દરમિયાન સલામત રહેવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

પૂર્વ તૈયારી અને આપાતકાલીન વ્યવસ્થા :

ભારે વરસાદ દરમિયાન અતિ મહત્વનું કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આપાતકાલીન સ્થિતિમાં પરિવારના સંપર્કમાં રહી શકાય તે માટે મોબાઈલ ફોન અને પાવર બેંક જેવા સાધનો હંમેશા ફૂલ ચાર્જ રાખવા. આ ઉપરાંત, ઘરમાં એક ‘ઇમરજન્સી કીટ’ તૈયાર રાખવી ખુબ જરૂરી છે, જેમાં ટોર્ચ, વધારાના બેટરી-સેલ, રેડિયો અને પ્રાથમિક સારવાર (First-Aid) માટેની જરૂરી દવાઓ સામેલ હોવી જોઈએ.

આહાર અને પાણી બાબતે વિશેષ તકેદારી :

ચોમાસાની ઋતુમાં પાચનતંત્ર નબળું પડતું હોવાથી અને દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધુ હોવાથી ખાન-પાનમાં વિશેષ તકેદારી રાખવી. હંમેશા પાણીને બરાબર ઉકાળીને અથવા ફિલ્ટર કરેલું પીવું જોઈએ. લારી-ગલ્લા પર મળતો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવો હિતાવહ છે. લીલા શાકભાજીમાં ઝીણી જીવાત થવાની સંભાવના હોવાથી, તેને રાંધતા પહેલા નવશેકા ગરમ પાણીથી બરાબર ધોઈ લેવા જોઈએ.

નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી :

જો તમે નીચાણવાળા કે પાણી ભરાવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હોવ, તો ઘરના તમામ મહત્વના દસ્તાવેજો અને કિંમતી સામાનને અગાઉથી જ કોઈ ઊંચાઈવાળી સુરક્ષિત જગ્યાએ મૂકી દેવા જોઈએ. જરૂર પડે ત્યારે કોઈપણ વિલંબ વિના સુરક્ષિત સ્થળે ખસી જવા માટે હંમેશા માનસિક રીતે તૈયાર રહેવું. આ ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઈએ.

વાહન વ્યવહાર અને માર્ગ સલામતી :

વરસાદના કારણે રસ્તાઓ ચીકણા થઈ જતા હોવાથી વાહનની ગતિ હંમેશા મર્યાદિત રાખવી. ભારે વરસાદમાં વિઝિબિલિટી ઓછી થઈ જાય ત્યારે વાહનની હેડલાઈટ કે ફોગ લાઈટ અચૂક ચાલુ રાખવી જોઈએ. પાણી ભરાયેલા રસ્તા, ઓવરફ્લો થતા નાળા કે કોઝવે પરથી વાહન પસાર કરવાનો કે પગપાળા નીકળવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.

જોખમોથી રક્ષણ :

ચોમાસામાં ભેજને કારણે શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાનો ભય વધી જાય છે. રસ્તા પર ચાલતી વખતે કાટ ખાધેલા વીજળીના થાંભલા, ખુલ્લા વાયરો કે ટ્રાન્સફોર્મરથી સલામત અંતર જાળવવું. ઘરમાં પણ ભીના હાથે ક્યારેય સ્વીચબોર્ડ કે વીજ ઉપકરણોને સ્પર્શ કરવો નહીં. ભારે પવન કે વરસાદ સમયે આશ્રય લેવા માટે નબળા વૃક્ષો, વીજળીના થાંભલા અથવા જર્જરિત દીવાલો નીચે ઊભા રહેવાનું ટાળવું.

બીમારીઓથી બચાવ અને બાળકોની કાળજી :

વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવ ફેલાવે છે. આથી આપણા ઘરની આસપાસ, કુંડા, જૂના ટાયર કે અગાસી પર પાણી જમા ન થવા દેવું. રાત્રે મચ્છરદાની કે રિપેલન્ટનો ઉપયોગ કરવો અને શરીર ઢંકાયેલું રહે તેવા આખી બાંયના કપડાં પહેરવા. વાલીઓએ પણ બાળકોની વિશેષ કાળજી રાખવી.

અફવાઓથી દૂર રહેવું :

આપત્તિના સમયે અફવા પર વિશ્વાસ ન કરવો અને સત્તાવાર પુષ્ટિ વગર આવી માહિતી ફેલાવવી નહીં. “સાવચેતી એ જ સલામતી” ના સૂત્રને અપનાવીને આપણે પોતે સુરક્ષિત રહીએ અને આપણા પરિવાર તથા સમાજને પણ સુરક્ષિત રાખીએ.

Back to top button
error: Content is protected !!