GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં પરવાનગી વગર સભા, સરઘસ કે રેલી યોજવા પર પ્રતિબંધ : રાજકોટ પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝાનું જાહેરનામું

તા.૨૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, સુલેહ-શાંતિનો ભંગ ન થાય તેમજ જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, પરવાનગી વગર જાહેર જગ્યા કે રોડ પર સામાન્ય સંજોગો સિવાય ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ સભા બોલાવવા, સરઘસ કાઢવા કે રેલી યોજવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું તા.૧૬/૦૮/૨૦૨૬ના રોજ ૨૪:૦૦ કલાક સુધી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં અમલમાં રહેશે.

સભા, સરઘસ, રેલી કે ધરણાની મંજૂરી માટે જો એક કરતાં વધુ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોય તો ડી.સી.પી.શ્રીને અને એક જ પોલીસ સ્ટેશન વિસ્તાર હોય તો સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને દિવસ-૭ પહેલાં લેખિત અરજી કરી પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આપેલ શરતોનો ચુસ્તપણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે અને આયોજક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી આયોજકની રહેશે.

સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી વગર માઇક કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં અને મંજૂરી મળ્યેથી પણ માઇક સિસ્ટમ સવારે ૦૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી અવાજની માત્રા દર્શાવતા શિડ્યુલ પ્રમાણે વગાડી શકાશે. આવી પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનાર વ્યકિતની તેના ઉપર સહી હોવી જોઇએ. ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો માટે મંજૂરીની જરૂર રહેશે નહીં, પરંતુ અવાજ તે સ્થળથી બહાર જવો જોઈએ નહીં.

સભા, સરઘસ, રેલી કે ધરણાની મંજુરી દરમ્યાન અન્ય નાગરિકોને અડચણ, અગવડ, જોખમ, ભય અથવા નુકસાન અટકાવવા માટે પોલીસ કમિશ્નરશ્રી અથવા તેમના તરફથી અધિકૃત કરેલ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઇપણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઇક સિસ્ટમ /વાજિંત્ર વાપરવાની મનાઇ કરવાનો હુકમ કરી શકશે.

નિયમો તથા પરવાનગી પત્રમાં દર્શાવેલ વિસ્તાર અને સમયમાં નિયમોનો ભંગ થશે તો ફરજ પરના અધિકારી વાહન તથા માઈક સિસ્ટમ/વાજિંત્ર અને તેના ઉપકરણો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

આ જાહેરનામામાંથી સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ- કર્મચારીઓને, ફરજ પરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સીઓને, સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને મુક્તિ આપવામાં આવી છે. ઉક્ત જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!