Rajkot: તુવેરના પાકમાં રોગના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા

તા.૨૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વાવણી સંદર્ભે તુવેરમાં રોગ અને જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં
Rajkot: તુવેરના પાકમાં જોવા મળતા સુકારો (વિલ્ટ), મૂળ અને થડનો કોહવારો તેમજ વંધ્યત્વ રોગના સમયસર અને અસરકારક સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં તથા વાવણી સમયે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. તુવેરના પાકમાં રોગનું પ્રમાણ અટકાવવા વાવણી માટે હંમેશાં રોગમુક્ત બીજ અને યોગ્ય ખેતરની પસંદગી કરવી જરૂરી છે. ખાસ કરીને જે ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં તુવેરનું વાવેતર ન કરવું અને રોગ પ્રતિકારક જાતો પસંદ કરવી હિતાવહ છે. આ ઉપરાંત તુવેરમાં વંધ્યત્વનો રોગ અટકાવવા માટે અગાઉના વર્ષના તુવેરના છોડ જે શેઢા-પાળા પર કે ખેતરમાં રહી ગયા હોય તો તેને તુરંત દૂર કરવા તેમજ તુવેરમાં બડધો પાક લેવો નહીં.
જમીનની ફળદ્રુપતા જાળવવા અને રોગ નિયંત્રણ માટે દર ત્રણ વર્ષે દિવેલા કે જુવારના પાક સાથે પાકની ફેરબદલી કરવી. તુવેરના પાકમાં મકાઈને આંતરપાક તરીકે લેવાથી સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે, જ્યારે વાવેતર પહેલાં જમીનમાં પ્રતિ હેક્ટરે ૧૦૦૦ કિ.ગ્રા દિવેલીનો ખોળ આપવો જોઈએ. રોગમુક્ત પાક ઉત્પાદન માટે બીજ માવજત ખૂબ જ મહત્વની છે. જે અંતર્ગત કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ કે થાયરમ ૨ ગ્રામ પ્રતિ કિ.ગ્રા અને ટ્રાયકોડર્મા વીરડી ૨.૫ કિ.ગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા, એરંડીના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું અથવા તો ટ્રાયકોડર્મા હારજીયમ ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા કાર્બોક્ષીન + થાયરમ ૮ બજારમાં મળતું તૈયાર મિશ્રણ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે ટ્રાયકોડર્મા હારજીયમ ૪ કિલો પ્રતિ હેક્ટર વાવણી વખતે ચાસમાં આપવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ઉપરાંત, દવાનો વપરાશ કરતી વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જ જે-તે પાક માટે રોગ કે જીવાત માટેનો ડોઝ અનુસરવો જોઈએ. આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.


