MORBI મચ્છુ-૨ ડેમ ૭૦% ભરાતાં હાઈ-એલર્ટ: મોરબી અને માળિયા(મીં) તાલુકાના ૨૯ ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના

MORBI મચ્છુ-૨ ડેમ ૭૦% ભરાતાં હાઈ-એલર્ટ: મોરબી અને માળિયા(મીં) તાલુકાના ૨૯ ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના
ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ-૨ જળાશયમાં ૪૯,૩૯૮ ક્યુસેક પાણીની આવક; જળસપાટી ૧૮૨.૯૧ ફૂટે પહોંચી
નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકત તથા પશુઓને સલામત સ્થળે ખસેડવા તંત્રની ખાસ અપીલ
મોરબી તાલુકાના જોધપર ગામ નજીક આવેલા મચ્છુ-૨ જળાશયના ઉપરવાસમાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે પાણીની જંગી આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં ૪૯,૩૯૮ ક્યુસેક જેટલા પાણીના પ્રવાહની આવક ચાલુ રહેતાં જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૭૦% સુધી ભરાઈ ગયું છે અને જળસપાટી ૫૫.૭૫ મીટર (૧૮૨.૯૧ ફૂટ) પર પહોંચી ગઈ છે. જળાશયની વધતી સપાટીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના અગમચેતીના ભાગરૂપે નીચાણવાસના વિસ્તારો માટે હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ અન્વયે મચ્છુ-૨ ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ૨૦ ગામો: જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળિયા(મીં) તાલુકાના ૯ ગામો: વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા મળી કુલ ૨૯ ગામોના નાગરિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીપટના વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં અવરજવર ન કરવા, પશુઓને નદીપટમાં ન મોકલવા તથા માલ-મિલકત સલામત સ્થળે ખસેડી તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરી વહીવટી તંત્રને સહયોગ આપવા કરવા ખાસ અનુરોધ કરાયો છે.






