GUJARATMORBIMORBI CITY / TALUKO

CHOTILA:ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા નાયકા ડેમ અને સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત, તંત્રને સતર્ક રહેવા સૂચના

 

CHOTILA:ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા નાયકા ડેમ અને સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત, તંત્રને સતર્ક રહેવા સૂચના

 

તા. 24/07/2026ના રોજ ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ વઢવાણ ભોગાવો પર બાંધેલ નાયકા ડેમ સિંચાઈ યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન સિંચાઈ વિભાગના સહાયક ઇજનેર, નાયકા ડેમ તેમજ મામલતદારશ્રી સાથે ડેમની હાલની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ડેમની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ડેમની કુલ ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 13.71 MCM સામે હાલમાં 3.317 MCM (28.17%) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં લાઈવ સ્ટોરેજ 2.967 MCM છે. ડેમની જ છેલ્લા 24 કલાકમાં 30 મિ.મી. વરસાદ અને ચાલુ સિઝનમાં કુલ 215 મિ.મી. વરસાદ નોંધાયો છે. હાલ ડેમમાં આવક (Inflow) ચાલુ છે જાવક (Outflow) નથી તેમજ ઓવરફ્લોની કોઈ સ્થિતિ નથી.

નાયબ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે નાયકા ડેમનો મુખ્ય કેચમેન્ટ વિસ્તાર ચોટીલા વિસ્તાર છે, જેથી ભારે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે.

તેમણે સિંચાઈ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ભવિષ્યમાં જો ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થાય તો તે પહેલાં જિલ્લા કંટ્રોલ રૂમ, તાલુકા કંટ્રોલ રૂમ તેમજ સંબંધિત તમામ વિભાગોને સમયસર જાણ કરવાની રહેશે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી પૂર્વચેતવણી આપી શકાય.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાયકા ડેમમાંથી છોડવામાં આવતું પાણી સીધું ભોગાવો નદી મારફતે ધોળી ધજા ડેમ (સુરેન્દ્રનગર) તરફ જાય છે અને ત્યારબાદ ભોગાવો નદીના કિનારે આવેલ સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરોને તેની અસર થઈ શકે છે. તેથી પાણી છોડવા અંગે તમામ પ્રકારની આંતર વિભાગીય સંકલન વ્યવસ્થા સુનિશ્ચિત રાખવા અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં પૂર્વચેતવણીની કામગીરીમાં બેદરકારી ન રાખવા સૂચના આપવામાં આવી હતી.

ત્યારબાદ નાયબ કલેક્ટરશ્રીએ મૂળી તાલુકાના સોમાસર તથા પલાસા ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વરસાદની સ્થિતિ, સ્થાનિક પરિસ્થિતિ અને સંભવિત જોખમો અંગે માહિતી મેળવી હતી. ગ્રામજનોને સાવચેતી રાખવા તથા કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મુલાકાત દરમિયાન વાગડિયા-મૂળી રોડ ઉપર આવેલ ડીપ કોઝવે પરથી વરસાદી પાણી પસાર થતું હોવાનું ધ્યાનમાં આવતા, સંબંધિત માર્ગ અને મકાન (R&B State) વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી બેરિકેટિંગ, ચેતવણીના બોર્ડ, જરૂરી સ્ટાફની વ્યવસ્થા તથા આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને.

નાયબ કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત વિભાગોને 24×7 સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!