MORBI:મોરબી NEET પરીક્ષા પેપર લીક મામલે કલેક્ટરને આવેદન પત્ર; JPC તપાસ અને પીડિત પરિવારો માટે રાહત પેકેજની માંગ

MORBI:મોરબી NEET પરીક્ષા પેપર લીક મામલે કલેક્ટરને આવેદન પત્ર; JPC તપાસ અને પીડિત પરિવારો માટે રાહત પેકેજની માંગ
મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને ભારતીય યુવા વિદ્યાર્થી સંગઠન (ગુજરાત પ્રદેશ)ના અધ્યક્ષ દ્વારા આજે મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને એક મહત્વપૂર્ણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્ર મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રી (ગુજરાત રાજ્ય) તથા માનનીય પ્રધાનમંત્રીશ્રી (કેન્દ્ર સરકાર) સુધી દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતી ગંભીર રજૂઆતો પહોંચાડવામાં આવી છે.
JPC અને સીબીઆઈ/એનઆઈઆઈ દ્વારા તપાસ:NEET પરીક્ષાના પેપર લીકની દુઃખદ ઘટના સંદર્ભે સંસદીય JPC કમિશન અથવા સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ (CBI / NIA) દ્વારા તાત્કાલિક, કડક અને ઐતિહાસિક નિર્ણાયક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
પીડિત પરિવારો માટે સંવેદના અને રાહત પેકેજ:પેપર લીકની ઘટના બાદ માનસિક તણાવ અને ડિપ્રેશનમાં આવીને દેશના અંદાજિત ૨૦ થી ૨૨ જેટલા હોનહાર વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. આ તમામ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમના શોકગ્રસ્ત પરિવારોને યોગ્ય રાહત/વળતર (Compensation Package) પૂરું પાડવામાં આવે.
જવાબદારો સામે કડક દંડાત્મક કાર્યવાહી:આ ગંભીર બેદરકારી અને દુર્ઘટનામાં સામેલ સંબંધિત અધિકારીઓ કે પદાધિકારીઓ સામે બંધારણીય અને સરકારી ધારાધોરણો મુજબ કડકમાં કડક દંડાત્મક પગલાં ભરવામાં આવે.
‘સ્ટુડન્ટ એક્ઝામ સેફ્ટી કમિશન’ની સ્થાપના:ભવિષ્યમાં ક્યારેય પણ ભારતના યુવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ‘ઇન્ડિયા સ્ટુડન્ટ એક્ઝામ એડવાન્સ સેફ્ટી કમિશન’ જેવું મજબૂત કાનૂની માળખું રચવામાં આવે, જેથી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુરક્ષિત અને પારદર્શી રીતે યોજી શકાય.આવેદન આપનાર અગ્રણીઓએ શાસન અને પ્રશાસનના વરિષ્ઠ પદાધિકારીઓ તથા અધિકારીઓને દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક યોગ્ય અને કડક નિર્ણયો લેવા સવિનય નમ્ર અપીલ કરી છે.








