BHARUCHNETRANG

નેત્રંગ મામલતદારના અધ્યક્ષસ્થાને સંભવિત ભારે વરસાદને અનુલક્ષીને આપત્તિ વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજાઈ…

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ મામલતદાર કલ્પેશ બી. ગળિયા (GAS) ના અધ્યક્ષસ્થાને છેલ્લા બે દિવસ દરમિયાન તાલુકામાં પડેલા વરસાદ બાદ બંધ થયેલા માર્ગો, અસરગ્રસ્ત વિસ્તારો તથા વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તાલુકા સ્તરે આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, પોલીસ ઇન્સ્પેક્ટર નેત્રંગ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર નેત્રંગ, બલદવા અને પિંગોટ ડેમના ઇન્ચાર્જ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં તાત્કાલિક સાફ-સફાઈ, આરોગ્ય વિભાગ દ્વારા સર્વે તથા ક્લોરિનેશનની કામગીરી, ધોવાઈ ગયેલા માર્ગોના સમારકામ, ટ્રાફિક નિયમન અને અન્ય આવશ્યક કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.

 

વધુ વરસાદની પરિસ્થિતિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂરિયાત મુજબ આકસ્મિક સ્થળાંતર કરવાની સ્થિતિમાં સ્થળાંતર કેન્દ્રોની ઓળખ, અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા, રાહત સામગ્રીની ઉપલબ્ધતા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા સહિતની આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

 

મામલતદારે તમામ વિભાગોને સતત સતર્ક રહી પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા, સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!